પરિવર્તન જગતનો નિયમ છે.લોકસભા ચુંટણીના પરિણામો નો પિટારો ખૂલવાની સાથે જ સર્વત્ર ધરખમ ફેરફારો ની હવા જો કે મોટેભાગે આ ફેરફારો ખાસ પરિણામ આપતાં નથી પરિવર્તન જગતનો નિયમ છે.ઉનાળો છે એટલે કેરીઓ યાદ આવે જ.જો કેરીઓ પાકવા મૂકી હોય અને બે ત્રણ દિવસે એને ફેરવતા ના રહીએ તો ઘણી કેરીઓ સડી જાય.એટલે પરિવર્તન કે ફેરફારો સતત કરતા રહેવું એ જીવનમાં ચેતના માટે જરૂરી છે.
રાજકીય પક્ષોને પણ આ ફેરફારો ની બાબત સચોટ લાગુ પડે છે.જે પક્ષ પરિવર્તનો નથી કરતો એ ઝડપથી જૂનો અને અપ્રસ્તુત બની જાય છે.કોંગ્રેસ કે જનતાદળ માં એવું જ થયું.પરિણામે એ પક્ષો લગભગ નામશેષ થવાના આરે પહોંચી ગયા.માનનીય પ્રધાનમંત્રી મોદી ને બહુ ગમતો એક શબ્દ છે આમુલચૂલ પરિવર્તન.એટલે કે તળિયા ઝાટક ફેરફારો. એમણે દરેક ક્ષેત્રમાં ધરખમ પરિવર્તનો થી દેશની હવા અને દિશા બદલી છે.લોકસભાની ચૂંટણીઓ ની મત ગણતરી અને પરિણામો ની જાહેરાત પછી રાજ્યમાં શાસક ભારતીય જનતા પક્ષમાં ગામ થી ગાંધીનગર સુધી પરિવર્તનો થશે એવી હવા અત્યારે રાજકીય વર્તુળોમાં બંધાઈ છે.એટલે કે પક્ષની હવા અને દિશા બદલાશે એવી મક્કમ ધારણા છે.લોકસભાની ચૂંટણીઓના પરિણામો માં આમ તો ખાસ ઉતાર ચઢાવના એંધાણ નથી.ભાજપ પક્ષને એક બેઠક તો બિન હરીફ મળી ગઈ છે.અને બાકીની ૨૫ મળી જાય તો નવાઈ નહીં ગણાય પણ ચુંટણી પહેલા જે પ્રકારની બળવાખોરી પહેલીવાર જોવા મળી,રાજ્ય વ્યાપી ક્ષત્રિય આંદોલન થયું,પક્ષ બદલીને ભાજપમાં આવનારા ને મહત્વ મળતું થયું અને એની સામે મૂળ કાર્યકરોમાં છૂપો અસંતોષ વ્યાપક બન્યો,એના પગલે જો એક કે બે બેઠકો પણ પક્ષ ગુમાવશે તો ભૂકંપ સર્જાશે એ નક્કી.અને ભૂકંપ થાય એટલે ઘણી બધી ભાંગતોડ અને નવનિર્માણ થાય છે.ભાજપમાં પણ થશે.આ પરિવર્તનો માત્ર પક્ષ કે સંગઠનમાં નહિ પણ રાજ્યના નેતૃત્વ અને મંત્રીમંડળમાં થવાની પ્રબળ ધારણા છે.પરિણામ જેટલા વધુ નકારાત્મક હશે,પરિવર્તનો એટલા જ તળિયા ઝાટક રહે છે.રાજ્યના પક્ષ પ્રમુખ બદલાવાનું તો નક્કી જેવું જ છે.કારણ કે એ મુદત વીતી આ પદ સંભાળી રહ્યા છે.એટલે એમને નવા કેન્દ્રીય મંત્રી મંડળમાં અથવા પક્ષના રાજકીય સંગઠનમાં મહત્વનું પદ મળવાની ધારણા છે.પક્ષ પ્રમુખ બદલાશે એટલે રાજ્ય સંગઠનની ટીમ બદલાશે.જે જિલ્લાઓમાં લીડ ઘટશે અથવા એકાદ બેઠક ગુમાવવી પડશે ત્યાં જિલ્લા પ્રમુખ સહિત આખું માળખું બદલાશે એ નક્કી ગણાય.આ ઉપરાંત અસંતોષ ને ઠારવા બોર્ડ નિગમોમાં નવી નિયુક્તિ ઓ થશે.એના પગલે કેટલાક ખુશ થશે અને વંચિત રહી જનારાઓ નારાજ થશે.એટલે આ ઘમાસાણ ચાલતું જ રહેશે
રાજ્યના પ્રધાનમંડળમાં પણ ક્રાંતિકારી પરિવર્તનો ની અપેક્ષા રાખવામાં આવી રહી છે.મંત્રી મંડળના નબળા કે વિવાદાસ્પદ ચહેરા બદલાશે.ક્ષત્રિય આંદોલન અને કડવા વિરુદ્ધ લેઉઆ જેવા પરિબળો કોળી સમાજમાં મંત્રી પુરુષોત્તમ સોલંકી નું શક્તિ પ્રદર્શન,સહકારી ક્ષેત્રમાં બળવો આ બધી બાબતો ફેરફારોમાં નિર્ણાયક બનશે.ટોચ થી તળિયા સુધી માથાઓ બદલવાની સંભાવના છે.ઊભા અને આડા ધરખમ પરિવર્તન નિશ્ચિત છે.તેમાં પણ ગેમ ઝોનની મહા કરુણ હોનારત ઘણાં ના મૂળિયાં હચમચાવી દેશે.શું થશે એ જાણવા હાલ તો થોભો અને રાહ જુવો સત્તા પક્ષની માફક જ વિપક્ષમાં ફેરફારો થશે.કોંગ્રેસની વાત કરીએ તો વિધાનસભા ની ચુંટણી પછી નેતૃત્વ પરિવર્તન કર્યું તો પણ પક્ષ પલટો ના અટકાવી શકાયો.સુરતમાં પક્ષ કફોડી સ્થિતિમાં મુકાયો. જાહેર કરેલો ઉમેદવાર બોદો નીકળ્યો અને ભાજપ ને સુરત જેવી મહત્વની લોકસભા બેઠક બિનહરીફ મળી ગઈ.આ મોટી નાલેશી પક્ષ પ્રમુખના કપાળે ચોંટી.જો એકાદ બે બેઠક કોંગ્રેસ જીતે તો પક્ષ માટે વકરો એટલો નફો ગણાશે.અને પક્ષ પ્રમુખની મજબૂતી વધશે.આપ માં પણ ફેરફારો તો થશે જ.ગેમ ઝોનના પગલે પોલીસ અને વહીવટી તંત્રમાં તાત્કાલિક અનિવાર્ય ફેરફારો રાજ્ય સરકારે કરવા પડ્યા છે.મંત્રી મંડળ અથવા રાજ્યનું સુકાન બદલાય તે પછી રાજ્ય વહીવટી અને પોલીસ તંત્રમાં ધરખમ ફેરફારો થશે.તમામ શહેરના બેજવાબદાર મ્યુનિસિપલ કમિશનર તથા પોલીસ કમિશનરની પણ વિદાય થાય તો નવાઈ નહી.લોકસભાની સહેલી લાગતી ચુંટણીઓ અને તે પછી ગેમ ઝોન ની દુર્ઘટનાઓ દૂરોગામી વમળો સર્જ્યા છે.હવે જોઈએ કોણ સલામત રહે છે અને કોણ બદલાય છે...
Reporter: News Plus