ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓ નું મતદાન થઈ ગયું છે.પરિણામો ચોથી જૂને જાહેર થશે.
મોટાભાગના રાજકીય પક્ષો અને તેના નેતાઓ,કાર્યકરો હાલમાં વેકેશન મૂડમાં હોય એવું વાતાવરણ છે.
વિશ્વના સૌ થી મોટા રાજકીય પક્ષ ભાજપ મા આમ તો નેતાઓ કે કાર્યકરોને ક્યારેય વેકેશન આપવાની પરંપરા નથી.આ પક્ષ એક ચુંટણી પૂરી થાય એટલે બીજી ભાવિ ચુંટણીની તૈયારીમાં લાગી જાય અને નેતાઓ/ કાર્યકરોને નવરા જ ના પડવા દે.
જો કે ભાજપમાં પણ હાલમાં વેકેશન મુડનો માહોલ અત્યારે જણાય છે.નેતાઓ/ કાર્યકરોને જ્યાં મતદાન બાકી હોય એવા અન્ય રાજ્યોમાં રવાના કરવાની ખબર હજુ સુધી આવી નથી.
મોટાભાગના પક્ષોમાં લોકસભા/ વિધાનસભા જેવી મોટી ચુંટણીઓ ના પરિણામો પછી પ્રદેશ અને જિલ્લા કક્ષાએ સંગઠનમાં ફેરફારો થતાં હોય છે.આ ફેરફારો પરિણામમાં ધારી સફળતા કે નિષ્ફળતા ને આધારે ઉપરછલ્લા તો ક્યારેક તળિયા ઝાટક હોય એવું બને છે.
હવે પરંપરા પ્રમાણે લોકસભાના પરિણામ પછી જિલ્લા અને મહાનગર કક્ષાએ સંગઠનમાં પરિવર્તન અનિવાર્ય છે ત્યારે વડોદરા શહેર ભાજપ સંગઠન બદલાય તેવી વકીને ધ્યાનમાં લઈને વિવિધ નેતાઓ અને તેમના જૂથો સક્રિય થઈ ગયા છે.માંડવો એક છે પણ મુરતિયા ઘણાં એવો ઘાટ થવાનો છે.
ત્યારે સૌ પોતપોતાની બાજી ગોઠવવા, તાકતવર હોય એવા ગોડ ફાધર શોધીને તેમનું શરણ મેળવવા પ્રવૃત્ત થયાં છે.
હાલ તો નવું ભવન શરૂ થયું નથી એટલે મનુભાઈ ટાવરની વર્ષો જૂની કચેરીમાં પ્રમુખની ખુરશી ઘણાં ના સપનામાં આવી રહી હશે અને એમના સપનામાં મીઠાશ ભરી રહી હશે.
પરંતુ સપના છેતરામણા હોય છે અને સપનાઓ ની આ છેતરપિંડી નો અનુભવ શહેર ભાજપના અનેક નેતાઓ ને થઈ ચૂક્યો છે.લોકસભાની ઉમેદવારી વખતે જ કેટલા બધાએ વરમાળા પહેરવા ડોક લાંબી કરી .પણ નસીબની બલિહારી થી એ વરમાળા નવા સવા યુવાનના ગળાને શોભાવી ગઈ!!
લોકસભા ચૂંટણીમાં પક્ષના જિલ્લા એકમોના અથવા શહેર એકમો ના પ્રમુખપદ માટે ૫ લાખ કે તેથી વધુ મતની બહુમતીનો એક માપદંડ પક્ષ પ્રમુખે નિર્ધારિત કર્યો છે.
એ પ્રમાણે જો વડોદરા બેઠકમાં બહુમતી ૫ લાખ કે પાર થઈ જાય તો વર્તમાન શહેર પ્રમુખ ડોકટર સાહેબને મોટેભાગે કોઈ ટસ થી મસ ના કરી શકે.અને એટલી બહુમતી લગભગ નિશ્ચિત છે એટલે એમણે ઝાઝી ચિંતા કરવા જેવી નથી.
પણ જો ભૂલેચૂકે બહુમતી ૫ લાખના આંક થી નીચે લૂઢકી જાય તો ઘણાં બગાસું ખાતા પતાસું મ્હોમાં આવી જવાની ધારણા બાંધીને અત્યારથી સક્રિય થઈ ગયા હશે.
એટલે અત્યારે તો સંભવિતો ની યાદિમાં ઘણીવાર વિધાનસભા થી લઈને વિવિધ હોદ્દાની ગાડી ચૂકી ગયેલા બાપુ પરાક્રમસિંહ,પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ,જૂના જોગી શબ્દશરણ,પૂર્વ મેયર ભરતભાઈ અને સુનીલભાઈ,પૂર્વ ધારાસભ્ય સીમાબેન,પૂર્વ મંત્રી રાજેન્દ્રભાઈ જેવા નામો યાદીમાં સ્થાન પામી શકે.અને જો સંઘની મરજી ચાલે તો ભાર્ગવ ભટ્ટ અને જીગર ઈમાનદાર ને આ પદ માટે ગણતરીમાં લેવાય. ડો.હેમાંગ જોશી જેવું કોઈ આશ્ચર્યજનક નામ આગળ આવી જાય.
આમ તો લોકસભાની ચૂંટણી લગભગ રસકસહિન રહી.મોદી સાહેબને ત્રીજી તક આપવાની નિષ્ઠા ધરાવતા સમર્પિત મતદારો એ લગભગ સ્વયંભૂ મતદાન કર્યું એટલે ટકાવારી સાવ લબડી ના પડી.
જૂથબંધી અને નારાજગી ને લીધે ઘણાની સક્રિયતા માત્ર દેખાડવા પૂરતી હતી.એવું પણ ચર્ચાય છે કે કોઈ નેતાની ટોળકી એ તો મતદાન ઓછું થાય એવા પ્રયત્નો પણ કર્યા.
હવે જે વિધાનસભા ક્ષેત્રોમાં ઓછું મતદાન થયું,એના પદાધિકારીઓ એ વિશ્વાસ બેસે એવા ખુલાસા તૈયાર રાખવા પડશે.
જેઓ પહેલા થી વિવાદમાં રહ્યાં હોય એમને પ્રદેશ નેતાગીરીએ ધ્યાનમાં લેવા જ ન જોઈએ.સંગઠનનો અનુભવ અને પક્ષના પાયાના કાર્યકરો સાથે સંપર્ક,એમના પર પ્રભાવ અને સૌ ને જોડવા અને કાબૂમાં રાખવાની કુશળતા તેમજ નવા સાંસદ અને શહેરના ધારાસભ્યો સાથે મનમેળ પણ અગત્યનો બનશે.
અબ દેખો આગે આગે હોતા હૈ ક્યા...!!
Reporter: News Plus