News Portal...

Breaking News :

આઇ.પી.સી.૩૦૨ પ્રમાણે ગુનો ના બને એ રીતે કોઈનું ખૂન કરવું છે..? તો એને તમાકુના રવાડે ચઢાવી દો....

2024-05-31 18:23:55
આઇ.પી.સી.૩૦૨ પ્રમાણે ગુનો ના બને એ રીતે કોઈનું ખૂન કરવું છે..? તો એને તમાકુના રવાડે ચઢાવી દો....


 

૩૧ મી મે એટલે વિશ્વ તમાકુ નિષેધ દિવસ...તમાકુ પીડા આપે છે, ઘાતક છે,આર્થિક પાયમાલી નોંતરે છે(ઉગાડનાર ની નહીં ખાનારની).એટલે લોકોને એના ઉપયોગથી દૂર રહેવાની ચેતવણી આપવા છેક ૧૯૮૭ થી યુનો ની પહેલ થી જગત આખામાં આ દિવસ ઉજવાય છે.


 આ વાતને ૨૫ વર્ષ થઈ ગયાં છતાં આજે પણ તમાકુ ખવાય છે બલ્કે એના ખાનારા વધતા જાય છે.કદાચ ભવિષ્યમાં એવું પણ બને કે કોઈ ચંદ્ર કે મંગળનો યાત્રી પોતાની સાથે છુપાવી ને કહેવાતી કેસર મિશ્રિત વાનગી લઈ જાય અને ત્યાં મોત અને માંદગી નો યુગ શરૂ કરાવે...!!
   એવું કહી શકાય કે ગામ અને ઘરની શરૂઆત ફળિયા થી અને દુનિયાની શરૂઆત નગર થી થાય.બને ત્યાં સુધી આપણે આપણા ગામ કે નગરની પહેલી ચિંતા કરવી.
   એ ન્યાયે ચિંતાનો સ્થાનિક વિષય એ છે કે વડોદરા શહેર અને જિલ્લામાં દર વર્ષે કેન્સરના નવા ૫ હજાર જેટલા કેસો મળે છે.કેન્સર તમાકુ ખાવા થી જ થાય છે એવું નથી.પરંતુ કેન્સર થવાના વિવિધ કારણોની આગેવાની તમાકુ લે છે એવું જરૂર કહી શકાય.અંધો મેં કાના રાજાની કહેવત જેવું છે.
   સયાજી હોસ્પિટલમાં કેન્સર ની સારવાર સુવિધામાં રેડિયેશન ઓંકોલોજી વિભાગ છે જ્યાં કેન્સરની અત્યાધુનિક વિકિરણ ચિકિત્સા થાય છે.એનું એક યંત્ર ગુજરાત સરકારે અંદાજે રૂ.૨૫ કરોડના ખર્ચે વસાવ્યું છે જે દર્શાવે છે કે કેન્સરની સારવાર કેટલી મોંઘી છે.એટલે તમાકુ ખાઈને આ રોગને ખુલ્લું આમંત્રણ આપવાનું ટાળીએ એ હિતાવહ લાગે છે.
   આ વિભાગના ભૂતપૂર્વ વડા ડો.અનિલ ગોયલે અગાઉ જણાવ્યું હતું કે ૨૦/૨૧ ના વર્ષમાં સયાજીની કેન્સર ઓ.પી.ડી.માં ૨ હજાર કેન્સરના કેસો નોંધાયા.તેમાં સૌથી વધુ પ્રમાણ ગળા અને માથાના કેન્સર(હેડ એન્ડ નેક કેન્સર)નું હોય છે અને આ કેન્સરના લગભગ ૮૦ ટકા કિસ્સાઓ સાથે તમાકુ નું સેવન જોડાયેલું જણાયું છે.
   તેઓ કહે છે કે માથા અને ગળાથી લઈને લોહીના કેન્સર સુધી ૧૧ જેટલા પ્રકારના કેન્સરમાં તમાકુ ખલનાયક ની ભૂમિકા ભજવી શકે છે.તેના થી શ્વસન તંત્ર,હૃદય,મગજ, પેટ, ચેતાતંત્ર, દાંત અને પેઢાં ના રોગો થઈ શકે.આમ,તમાકુ શરીરના એકેય અંગને રોગ મુક્ત રહેવા દેતું નથી અને તેનું વ્યસન મનને પણ ઘેલું કરે છે.કોરોના લોકડાઉન દરમિયાન એકાદ તમાકુની પડીકી માટે રૂ.૫૦ કે ૧૦૦ ચૂકવનાર તમાકુ માટેની ઘેલછા પુરવાર કરે છે.
  આ બધું તો ઠીક,તમાકુ પૃથ્વીના પર્યાવરણને પણ પ્રદૂષિત કરે છે.
  દાંતના રોગોના નિષ્ણાત ડો.યોગેશ ચંદારાણા કહે છે કે અમારી અમીરી વધારવામાં તમાકુ વિવિધ પ્રકારના દાંત અને પેઢાં ના રોગો દ્વારા સારું એવું યોગદાન આપે છે!!


તેઓ કહે છે કે ધૂમ્રપાન થી વાતાવરણમાં હજારો ટન કાર્બન ઠલવાય છે જે પૃથ્વીનું તાપમાન વધારે છે તો સિગારેટ બનાવવામાં વપરાતું વિપુલ પાણી તળાવો ખાલી કરે છે.બીડી કે સિગારેટ થી ઝેરી ધુમાડો ફેંકનાર અન્ય આસપાસના લોકોને રોગની ભેટ આપે છે કારણ કે આ ધુમાડો જેમના શ્વાસમાં જાય તેમને પણ કર્ક રોગ થવાનું જોખમ રહે છે.
   ગધેડા ને લોકો ગાંડા કહે છે.પણ આ મહેનતકશ ગર્દભો એટલા તો ડાહ્યાં છે કે તમાકુ ના લીલા છોડ કે હરિયાળા ખેતરથી તસુભાર લલચાતા નથી અને ડાહ્યો માણસ તમાકુ ની ખેતી થી રોગનો વેપાર કરે છે......
  ખૂન કરો તો આઇ.પી.સી.૩૦૨ ની જોગવાઇ અનુસાર સજા થાય છે.પરંતુ કોઈનું ખૂન કરવાનું ઝનૂન હોય અને સજા પણ મંજૂર ન હોય તો બસ એને તમાકુના રવાડે ચઢાઈ દો.તમારું નસીબ જોર કરતું હશે તો ટાઢા પાણીએ ખસ જશે...
  તમાકુ ની પીડા:
   હું પોતે તમાકુ અને અન્ય વ્યસનો થી મુક્ત છું.પરંતુ મારા ખૂબ કરીબી મિત્રો,સહ કર્મયોગીઓ ને જ્યારે પ્રેમાળ પત્ની,વ્હાલા બાળકો અને માતા પિતાની ચિંતાઓને અવગણીને તમાકુ ના બંધાણ થી બેચેન જોઉં છું ત્યારે અત્યધિક પીડા થાય છે.ઘણીવાર એવું લાગે કે એમની ખરી પ્રિયતમા જ તમાકુ છે....

Reporter: News Plus

Related Post