વડોદરામાં સ્માર્ટ વિજ મીટરનો વિરોધ આજે પણ યથાવત રહ્યો છે. આજે લોકોની પીડાને વાચા આપતા શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ દ્વારા પોતાની જાત પર પટ્ટા અને સાંકળ વરસાવીને પીડાદાયક રીતે વિરોધ કરવામાં આવ્યો છે.
આમ કરવા પાછળનો ઉદ્દેશ્ય સ્માર્ટ વિજ મીટરને લઇને લોકોની પીડા ઉજાગર કરવાનો હોવાનું તેઓ જણાવી રહ્યા છે. વડોદરામાં સ્માર્ટ વિજ મીટરનો કકળાટ શાંત થવાનુ નામ નથી લઇ રહ્યો. આજે હજારો લોકોને સ્માર્ટ વિજ મીટરને લઇને પડેલી મુશ્કેલીઓ સામે શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ વિનોદ શાહ દ્વારા પીડાદાયક વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જેને લઇને સૌ કોઇ વિચારતા થઇ ગયા છે.
હવે સ્માર્ટ વિજ મીટરને લઇને કોઇ નિર્ણય લેવાય છે કે નહિ તે જોવું રહ્યું. વડોદરા શહેરના કોંગ્રેસ ઉપપ્રમુખ વિનોદ શાહ જણાવે છે કે, ભાજપે લોકોના મત લીધા બાદ સ્માર્ટ વિજ મીટરના કનેક્શનો શરૂ કરી દીધા છે. આ લોકોએ ગુજરાતીઓને છેતરીલીધા છે. જે લોકોનું બે મહિનાનું રૂ. 6 હજાર બીલ આવતું હતું, તે હવે 20 દિવસમાં આવી રહ્યું છે. લોકો સ્માર્ટ મીટરોને લઇને પંખા ચાલુ નથી કરતા, નાના છોકરાઓને ગરમીમાં શેકાવવું પડે છે. પરીક્ષા ટાણે વિદ્યાર્થીઓને લાઇટ નથી મળતી. સ્માર્ટ મીટરો થકી ભાજપે સ્માર્ટ ચીટીંગ કરવાની પદ્ધતિ શોધી કાઢી છે. લોકોને સ્માર્ટ રીતે છેતરી રહ્યા છે. મારા શરીરને કષ્ટ આપવાથી નેતાઓ કે અધિકારીઓને કોઇ ફરક પડવાનો નથી. જે દિવસે ગુજરાતની જનતા સમજી જશે, કે આ લોકો ખીસ્સા ખંખેરી રહ્યા છે, તો તેમની સત્તા નહિ રહે, સ્માર્ટ મીટરમાં સંડોવાયેલા તમામ જેલમાં જશે.
Reporter: News Plus