ઇટાનગર : અરૂણાચલ પ્રદેશમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે ૨૧ બાળકોની જાતીય સતામણી કરવાના આરોપમાં એક વ્યકિતને મૃત્યુદંડની સજા ફટકારી છે.
એક રેસિડેન્સિયલ સ્કૂલમાં ૧૫ છોકરીઓ સહિત ૨૧ બાળકોની જાતીય સતામણી કરવાના આરોપમાં આરોપી વ્યકિતને મૃત્યુદંડની સજા ફટકારી છે. યુપીયાના પશ્ચિમી સત્ર ડિવિઝનના સ્પેશિયલ જજ (પોકસો)ની કોર્ટે કેસમાં સંડોવણી બદલ બે અન્ય લોકોને પણ ૨૦-૨૦ વર્ષની આકરી જેલની સજા ફટકારી છે.મુખ્ય આરોપી યુમકેન બાગરા શિ-યોમી જિલ્લાના કારો સરકારી રેસિડેન્સિયલ સ્કૂલની હોસ્ટેલનો વોર્ડન હતો. જ્યાં તેણે ૨૦૧૯થી ૨૦૨૨ની વચ્ચે ૧૫ છોકરીઓ સહિત ૨૧ બાળકોની જાતીય સતામણી કરી હતી. સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ (એસપી) રોહિત રાજબીર સિંહના જણાવ્યા અનુસાર સહ આરોપી માર્બોમ ગોમાદિર હિંદી શિક્ષક છે જ્યારે સિંગતુન યોરપેન શાળાના પૂર્વ આચાર્ય છે.
એસપીના જણાવ્યા અનુસાર બાગરાને આઇપીસીની કલમ ૩૨૮ અને ૫૦૬ની સાથે સાથે પોક્સોની કલમ ૬,૧૦ અને ૧૨ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે અને તેના અપરાધની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેને મોતની સજા સંભળાવવામાં આવી છે. સિંહે જણાવ્યું હતું કે આ નિર્ણય તાત્કાલિક મુદ્દાનું સમાધાન કરે છે અને બાળકોની સુરક્ષા અંગે વ્યાપક જાગૃતિ માટે એક મહત્ત્વપૂર્ણ ટર્નિંગ પોઇન્ટના રૂપમાં પણ કાર્ય કરે છે તથા તેમના અધિકારો અને કલ્યાણની રક્ષા કરવાની સામૂહિક જવાબદારીને મજબૂત કરે છે. રેસિડેન્સિયલ સ્કૂલમાં જાતીય સતામણનો કેસ એ સમયે પ્રકાશમાં આવ્યો જ્યારે બે બહેનોએ ગયા વર્ષે બીજી નવેમ્બરે પોતાના માતાપિતાને આ અંગેની ફરિયાદ કરી હતી. બે દિવસ પછી પોલીસે એફઆઇઆર નોંધી હતી. ગયા વર્ષે નવેમ્બરમાં બાગરાની ધરપકડ કરવામાં આવી હતી.
Reporter: admin