અમદાવાદ : મધ્ય મહારાષ્ટ્ર તરફ સાઈક્લોનિક સર્ક્યુલેશનની ઈફેક્ટ હવે સમગ્ર ગુજરાતમાં દેખાઈ રહી છે અને તેને ધ્યાનમાં રાખીને જ હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સૌની વચ્ચે અમદાવાદમાં આજે વહેલી સવારથી અંધારપટ છવાયેલું છે. ત્યારે સાડા સાત વાગ્યાની આસપાસથી સતત ધોધમાર વરસાદ વરસતાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દૃશ્યો સર્જાવા લાગ્યા છે. અમદાવાદના હવામાન વિભાગના જણાવ્યાનુસાર મધ્ય મહારાષ્ટ્ર તરફ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાત તરફ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
આગામી ત્રણ દિવસ ગુજરાતના અનેક જિલ્લામાં ભારે મેઘમહેર થવાની શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, અમરેલીની સાથે જ દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, વલસાડ જિલ્લો તથા દમણ અને દાદરા નગર હવેલી ખાતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Reporter: admin