સિંધુદુર્ગ : મહારાષ્ટ્રના સિંધુદુર્ગ ખાતે દરિયાકિનારે ઊભી કરાયેલી શિવાજી મહારાજનીભવ્ય પ્રતિમા 26 ઓગસ્ટ, સોમવારના રોજ તૂટી પડતાં વિવાદ થયો છે.
પ્રતિમાનું અનાવરણ થયાને એક વર્ષ પણ પૂરું થયું ન હોવાથી એના નિર્માણમાં ભ્રષ્ટચાર થયો હોવાની ચર્ચા ઊઠી છે. 4 ડિસેમ્બર 2023ના રોજ ‘નેવી ડે’ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સોમવારે ફૂંકાયેલા ભારે પવનને કારણે પ્રતિમા તૂટી ગઈ હતી, જેને કારણે શિવાજી મહારાજને પૂજ્ય માનતા બહોળા વર્ગની લાગણી દુભાઈ છે.
પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD) એ પ્રતિમાની નબળી ગુણવત્તા અંગે દુર્ઘટના બની એ અગાઉ જ ફરિયાદ નોંધાવી હતી. એમણે કહ્યું હતું કે પ્રતિમાના નિર્માણમાં ઉપયોગમાં લેવાયેલા નટ અને બોલ્ટ કાટ લાગેલા હતા. પ્રતિમાની મુલાકાતે આવતાં પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકોએ પણ પ્રતિમાની બગડતી હાલત અંગે અગાઉ ચિંતા વ્યક્ત કરી હતી. PWD માલવણ વિભાગના સહાયક ઈજનેર દ્વારા 20 ઓગસ્ટના રોજ પ્રતિમાની સ્થિતિ સારી ન હોવાની ચેતવણી આપી હોવા છતાં પણ અધિકારીએ કોઈ નિવારક પગલાં લીધા ન હતા.
Reporter: admin