આજે ચારે તરફ વિકાસની લ્હાયમાં આડેધડ વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે અને ગ્લોબલ વોર્મિંગના કારણે હવે ગરમી વધી રહી છે. ત્યારે IPL ના ધુરંધર બેટ્સમેનોની જેમ જ સૂરજદાદા એ પણ પોતાનું ધમાકેદાર હીટીંગ ચાલુ કર્યું છે. કાળઝાળ ગરમી પડી રહી છે. સૂર્યનારાયણ ગરમીના રોજ નવા કીર્તિમાન સ્થાપિત કરી રહ્યા છે. ત્યારે આટલી આકરી ગરમીમાં પોતાનું કામ તો કરવું જ પડે ! ત્યારે શહેરી વિસ્તારના લોકો મોટાભાગે એસીમાં અથવા પંખા નીચે કામ કરતા હોય છે. તો કેટલાક લોકો બહાર ફરતા હોય છે ત્યારે એ ટોપી નો સહારો લેતા હોય છે,ગોગ્લસનો સહારો લેતા હોય છે, કેટલાક લોકો સનસ્ક્રીન લોશન લગાવે છે, અને પોત પોતાની રીતે ગરમીથી રાહત મેળવવાના પ્રયાસો કરે છે. ત્યારે જૂના જમાનાના વડીલો કઈ રીતે ગરમીથી પોતાનું રક્ષણ કરે છે એ આ ભીખાભાઈ પાસેથી જાણવા મળે છે. ભીખાભાઈ પોતે 10 વર્ષના હતા ત્યારથી જ ગાયો ચરાવવાનું કામ કરે છે.હાલમાં તેઓ 80 વર્ષના છે. સાત સાત દાયકાથી આ કામ અવિરત કરી રહ્યા છે. અને આટલી કાળઝાળ ગરમીમાં પણ તેઓ પશુઓને ચરાવવા નીકળ્યા છે. પરંતુ સાથે જ પોતાના પરંપરાગત એવા કીમીયા થી સૂરજદાદા સામે રક્ષણ મેળવી રહ્યા છે. ભીખાભાઈ જણાવે છે
કે લીમડો અથવા દિવેલાના પાન, એને જો માથે મૂકવામાં આવે અને એના પર સાફો બાંધવામાં આવે છે તો એ લીમડાના પાન અથવા દિવેલાના પાનથી માથાની ગરમી ચુસાઈ જાય છે. માથા પર ગરમી નથી લાગતી. ઉનાળામાં લુ નથી લાગતી. અને આ રીતે આકરી ગરમીમાં રાહત મેળવી શકાય છે. સમા અભિલાષા ખાતે રહેતા ભીખાભાઈ છેક છાણી અવધ રેસીડેન્સી સામેના ખુલ્લા ખેતરોમાં પશુઓને ચરાવવા માટે આવે છે અને આજના જુવાનિયાઓને એ શીખ આપે છે કે આપણી પરંપરાગત ગરમી સામે રક્ષણ મેળવવાની જે રીત છે એને અપનાવો અને ગરમી સામે રક્ષણ મેળવો
Reporter: News Plus