ક્રાઇમ બ્રાન્ચ યુનિટ બેના ઑફિસરોને માહિતી મળી હતી કે ફર્ટિલિટી સેન્ટરમાં બાળકો ન થતાં હોય એવાં દંપતીઓનો સંપર્ક કરીને તેમને બાળકો વેચી દેતી ગૅન્ગ સક્રિય થઈ છે અને આ ગૅન્ગમાં ફર્ટિલિટી સેન્ટરમાં કામ કરતા કેટલાક કર્મચારીઓનો પણ સમાવેશ છે. એ માહિતીના આધારે તપાસ કરીને પોલીસે નવજાત બાળકોને વેચતી ગૅન્ગનો પર્દાફાશ કર્યો હતો એટલું જ નહીં, પાંચ મહિનાના એક બાળક અને બે વર્ષની એક બાળકીને બચાવી લેવાયાં હતાં. આ કેસમાં પોલીસે એક હોમિયોપૅથ ડૉક્ટર સહિત એજન્ટ અને મહિલાઓ એમ કુલ મળીને છ જણની ધરપકડ કરી છે.
નવજાત બાળકોને વેચતી ગૅન્ગ દ્વારા વિક્રોલીના કન્નમવરનગરમાં કાન્તા પેડણેકરના પાંચ મહિનાના બાળકને શીતલ વારેએ વેચી દીધું છે એવી પાકી માહિતી મળતાં ક્રાઇમ બ્રાન્ચના ઑફિસરોએ શીતલ વારે પર વૉચ ગોઠવી, ટ્રૅક કરીને આખરે તેને ગોવંડીમાંથી ઝડપી લીધી હતી. શીતલ વારેએ ત્યાર બાદ માહિતી આપતાં કહ્યું હતું કે તેણે ગોવંડીના ડૉક્ટર સંજય ખંદારે અને વંદના પવારની મદદથી પાંચ લાખ રૂપિયા લઈને એ બાળકને રત્નાગિરિના ગુહાગરમાં રહેતાં સંજય પવાર અને સવિતા પવારને વેચી દીધું હતું. ક્રાઇમ બ્રાન્ચના ઑફિસરોએ ગુહાગર જઈને બાળકને છોડાવી લીધું હતું અને આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસના આરોપીઓની વધુ તપાસ કરતાં જણાઈ આવ્યું હતું કે શીતલ વારેએ તેના બે સાથીદારો શરદ દેવર અને સ્નેહા સૂર્યવંશીની મદદથી બે વર્ષની અન્ય એક બાળકીને અઢી લાખ રૂપિયામાં વેચી દીધી હતી. એ બાળકી લિલેન્દ્ર શેટ્ટીના તાબામાંથી મળી આવી હતી.
Reporter: News Plus