શનિવારે સાંજે છોકરીની મમ્મી અને બહેન સામાન ખરીદવા બહાર ગઈ હતી ત્યારે ૧૨ વર્ષની આ છોકરીએ આત્મહત્યા કરી લીધી હતી.
હરિયાણામાં ૧૨ વર્ષની એક છોકરીએ આત્મહત્યા કરી લીધી હતી, કારણ કે તેના પાળેલા શ્વાનનું મૃત્યુ થયું હતું. આ છોકરી છઠ્ઠા ધોરણમાં ભણતી હતી. આ શૉકિંગ બનાવથી પરિવારજનો આઘાતમાં છે. આ કેસના સંદર્ભમાં જાણકારી આપતાં પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે ‘૧૨ વર્ષની છોકરીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પાળેલા શ્વાનનું મૃત્યુ થયા બાદ આ છોકરી ડિપ્રેશનમાં જતી રહી હતી અને એથી કદાચ તેણે આ પગલું ભર્યું હોવું જોઈએ.’ આ છોકરીના પરિવારે જણાવ્યું હતું કે પાંચ દિવસ પહેલાં આ પાળેલા શ્વાનનું મૃત્યુ થયું હતું. છેલ્લા ત્રણ મહિનાથી તે આ શ્વાનને પાળી રહી હતી. કોઈ કારણવશ આ શ્વાનનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ છોકરીએ ખાવાનું છોડી દીધું હતું અને ડિપ્રેશનમાં આવી ગઈ હતી. પરિવારે આ છોકરીને સમજાવવાની ખૂબ કોશિશ કરી હતી. શનિવારે સાંજે છોકરીની મમ્મી અને બહેન સામાન ખરીદવા બહાર ગઈ હતી ત્યારે ૧૨ વર્ષની આ છોકરીએ આત્મહત્યા કરી લીધી હતી. છોકરીની મમ્મીએ કહ્યું હતું કે તે શ્વાનને બેહદ પ્રેમ કરતી હતી.
Reporter: News Plus