મેક્સિકો સિટીઃ ડ્રગ માફિયા ગેંગ વોરમાં દક્ષિણ મેક્સિકોમાં ગ્વાટેમાલા સરહદ નજીક એક ડમ્પ ટ્રક અને તેની આસપાસના વિસ્તારોમાંથી 19 મૃતદેહો મળી આવ્યા હતા. મેક્સિકોનો આ વિસ્તાર ડ્રગ્સ માફિયાઓથી પ્રભાવિત વિસ્તાર છે.
ફેડરલ પબ્લિક સેફ્ટી ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે દક્ષિણ ચિઆપાસ રાજ્યના લા કોનકોર્ડિયા શહેરની નજીકના ગ્રામીણ રસ્તા પર ત્યજી દેવાયેલી ટ્રકમાંથી પુરુષોના મૃતદેહ મળી આવ્યા હતા. ડમ્પ ટ્રકની પાસેથી 14 વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે વધુ બે મૃતદેહ કેબમાંથી મળી આવ્યા હતા. બે ટ્રકની બહાર હતા અને અન્ય એક મૃતદેહ લગભગ 100 મીટર દૂરથી મળી આવ્યો હતો.
વિભાગે જણાવ્યું હતું કે પીડિતોને ગોળી મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા અને તેમાં ગ્વાટેમાલાના ઓળખ દસ્તાવેજો હોય તેવા ઓછામાં ઓછા છ પુરુષોનો સમાવેશ થાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ હત્યાઓ સિનાલોઆ ડ્રગ કાર્ટેલ અને મેક્સિકો અને ગ્વાટેમાલાના કાર્ટેલ તરીકે ઓળખાતી હરીફ ગેંગ વચ્ચેના ગેંગવોરના કારણે થઇ હોવાનું માનવામા આવી રહ્યું છે.
Reporter: News Plus