અમદાવાદઃ શહેરની ખ્યાતિ હૉસ્પિટલમાં ડૉક્ટરોની બેદરકારીને કારણે બે દર્દીના મોત થતા અને સાત દર્દીની સ્થિતિ ચિંતાજનક છે. આ ચોંકાવનાતી ઘટનામાં રાજ્ય સરકાર ફરિયાદી બની છે.
અમદાવાદના એસ.જી. હાઈવે પર સ્થિત ખ્યાતિ હોસ્પિટલમાં આ બનાવ બનતા હોસ્પિટલના સંચાલકો વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં ડો. પ્રશાંત વજીરાણી, ડાયરેક્ટર ડો. કાર્તિક પટેલ, ડો. સંજય પાટોલિયા, રાજશ્રી કોઠારી, CEO ચિરાગ રાજપૂત સામે માનવવધનો ગુનો દાખલ કરીને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના સંદર્ભે આરોગ્ય વિભાગના અગ્ર સચિવએ જણાવ્યું હતું કે, આ ઘટનાની સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે.
આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે મળેલી સમીક્ષા બેઠકમાં સમગ્ર ઘટનાની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ ઘટનામાં જવાબદાર કોઈને પણ છોડવામાં આવે નહીં અને આ હોસ્પિટલના માલિક, સંચાલકો, તબીબો સહિતના લોકો વિરુદ્ધ રાજ્ય સરકાર દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી.તેમણે વધુ જણાવ્યું હતુ કે, 12મી નવેમ્બરના રોજ આરોગ્ય વિભાગ દ્વારા યુ.એન.મહેતાના કાર્ડિયોલોજિસ્ટ, સોલા સિવિલ હોસ્પિટલના તજજ્ઞો તેમજ PMJAY-મા યોજના હેઠળની SAFU(સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ)ના તપાસ સમિતિની રચના કરાઈ હતી. આ સમિતિએ ખ્યાતિ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ જે ક્ષતિઓ જણાઈ તે રિપોર્ટ આરોગ્ય વિભાગ સામે રજૂ કર્યો હતો.
Reporter: admin