અકસ્માત સર્જનાર કાર ચાલકની ગાડીમાંથી દારૂ સહિત ખાલી ગ્લાસ અને પાણીની બોટલ મળી આવી..
વાઘોડિયા પોલીસે પ્રોહીબિશનનો ગુનો દાખલ કરી કારમાં સવાર ત્રણ લોકોની અટકાયત કરી
વડોદરા-વાઘોડિયા રોડ પર નિમેટા ગામ પાસે મહિન્દ્રા TUV કારના ચાલકે દારૂના નશામાં દ્યુત થઇને સ્કૂટરને અડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો.. જેમાં એક પરિવાર ફંગોળાયો હતો. જેમાં પતિ-પત્ની અને 6 વર્ષની દીકરી ઇજાગ્રસ્ત થયા હતા. મહિલાને 9 માસનો ગર્ભ હતો. જેથી તે ફંગોળાઇને રોડ પર નીચે પટકાતા તેમના ગર્ભમાં બાળકનું મોત થયું છે. જેથી પરિવારજનોએ સયાજી હોસ્પિટલમાં આક્રંદ કર્યું હતું પરિવારજનોએ આ મામલે કારમાં સવાર 3 આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
વડોદરાના નિમેટા ખાતે રહેતા રવિભાઇ સોલંકી અને તેમના પત્ની દિપીકાબેન સોલંકી ગઇકાલે સાંજે 5.30 વાગ્યે તેમની 6 વર્ષની દીકરી કનિષાને લેવા માટે સરદાર એસ્ટેટ પાસે આવેલ રઘુકુલ વિદ્યાલય ખાતે ગયા હતા. જ્યાંથી દીકરીને લઇને ઘરે પરત આવી રહ્યા હતા, તે સમયે પણા છ વાગ્યાની આસપાસ આજવા રોડ પર નિમેટા પાસે મહિન્દ્રા TUV કારે રવિભાઇના સ્કૂટરને ટક્કર મારી હતી. જેમાં પતિ-પત્ની અને દીકરી ત્રણેય ફંગોળાઇને નીચે પડ્યા હતા અને ત્રણેય ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તેઓને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં દિપીકાબેનના ગર્ભમાં તેમના બાળકે દમ તોડ્યો હતો. બીજી તરફ વાઘોડિયા પોલીસે દારૂના નશામાં દ્યુત કારચાલક વિજયસિંગ ગજેસિંગ રાજપૂરોહિત સામે ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત તેની સાથે કારમાં રહેલા નશામાં દ્યુત બીજા શખ્સ સચિન રાજેન્દ્રભાઇ શાક્ય (રહે. સંતોષીનગર, ખોડિયારનગર, ન્યુ. વીઆઇપી રોડ, વડોદરા) સામે પણ પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે.
Reporter: admin