તાજેતરમાં ઇસ્કોન મંદિરમાં લાખો રૂપિયાની થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે ત્યારે બીજી તરફ દાગીના રિકવર કર્યા બાદ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા ટ્રસ્ટીઓએ હવે મંદિર પરિસરમાં સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય લીધો છે.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિરમાં તાજેતરમાં તસ્કરોએ લાખો રૂપિયાની કિંમતના દાગીના અને રોકડનો હાથફેરો કર્યા ની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં મંદિરમાંથી હાથફેરો કરનાર ચોરને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો હતો.આ ઇસ્કોન મંદિરના સંકુલમાં સીસીટીવી કેમેરા ન હોવાના કારણે આ ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને ભારે મહેનત કરવી પડી હતી.
પોલીસે તેના સોર્સથી ગુનાનો ભેદ ઉકેલી શકી હતી. બીજી તરફ મંદિર પાસે હજારો દાતા અને તેના ભક્તો છે, પરંતુ ટ્રસ્ટીઓ કસ્ટોડિયન દાનમાં આવેલી ચીજ વસ્તુઓની દેખરેખ કરવામાં કાચા પડે છે તેવું કહેવાય છે. તદ ઉપરાંત મંદિરના સંકુલમાં તમામ સ્થળે સીસીટીવી કેમેરા ના હોવાના કારણે તસ્કરો ફાવ્યા હતા. હાલમાં ચોર પકડાઈ ગયો દાગીના પણ રિકવર થઈ ગયા ત્યારે હવે ટ્રસ્ટીઓએ 50 સીસીટીવી કેમેરા નાખવાનો નિર્ણય લીધો છે.આમ તબેલામાંથી ઘોડા છૂટી ગયા બાદ તાળા મારવામાં આવી રહયાનું જોવા મળી રહયુ છે.
Reporter: Amit Shah