છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઉચાપાન ગામના 120 વર્ષની ઉંમરના રોશન બીબીનું નામ મતદાર યાદીમાંથી ગાયબ થઈ જતાં તેઓ આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવાથી વંચિત રહેશે. મોટી ઉંમરના મતદાર માટે ચૂંટણી પંચ દ્વારા અલાયદી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે ત્યારે તે અંગે બોડેલી સેવાસદન અને કલેક્ટર કચેરીમાં પરિજન તપાસ કરવા ગયા ત્યારે ખબર પડી કે મતદાર યાદીમાં રોશનબીબીનું તો નામ જ ગાયબ છે.
બે વર્ષ અગાઉ ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે પણ રોશનબીબીનું નામ મતદાર યાદીમાં ન હતું. અગાઉ અનેક વખત મતદાન કરનારા જીવનની સદી વટાવી ચૂકેલા વયોવૃદ્ધ મહિલા જિંદગીની છેલ્લી મંજિલે પહોચ્યા છે ત્યારે તેઓ પોતાના હક અને અધિકાર એવા મતદાનથી વંચિત રહ્યા છે. બોડેલી તાલુકાના ઊંચાપાન ગામના વધુ ઉંમરના રોશનબીબી કાસમખાન પઠાણ જેઓ પોતાના પરિવાર સાથે જ રહે છે. તેઓની પાસે ચૂંટણી કાર્ડ છે અને રેશનકાર્ડમાં પણ નામ ચાલી રહ્યું છે, પરંતુ મતદાર યાદીમાં છબરડાં હોવાનું સામે આવ્યું છે.
Reporter: News Plus