ભાજપના ધારાસભ્ય રાદડિયાએ પાર્ટીના મેન્ડેટની ઉપરવટ જઇ દાવેદારી કરી હતી
ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાનો વિજય થયો છે. તેમણે ભાજપના જ સત્તાવાર ઉમેદવાર બિપીન પટેલ ગોતાને પછાડી શાનદાર જીત મેળવી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના આ બંને નેતાઓ ઈફ્કોમાં ડિરેક્ટરના પદ એકમત ન થતા ચૂંટણી યોજાઈ હતી. ભાજપે બિપીન ગોતાને મેન્ડેટ આપ્યો છે, પરંતુ ભાજપના ધારાસભ્ય રાદડિયાએ પાર્ટીના મેન્ડેટની ઉપરવટ જઇ દાવેદારી નોંધાવી ચૂંટણી જંગ ખેલાયો હતો. આમ સહકારી ક્ષેત્રમાં જોરદાર ઉલટફેર સાથે ભાજપ સામે ભાજપના નેતાનો જ જંગ જોવા મળ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌથી મહત્ત્વની વાત એ છે કે, ચૂંટણીમાં જયેશ રાદડિયાને કોંગ્રેસ (Congress) સભ્યોનું પણ સમર્થન મળ્યું હતું. રાજકોટના તમામ સભ્યોએ તેમને મત આપ્યો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ઇફકોના મતદારો જયેશ રાદડીયાના સમર્થનમાં હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો હતો.
ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. ચૂંટણીમાં કુલ 182 મતદારો હતા, પરંતુ તેમાંથી કુલ 180 મત પડ્યા છે. આ 180 મતમાંથી જયેશ રાદડિયાને 114 મત જ્યારે હરીફ બીપિન ગોતાને 66 મત જ મળ્યા છે.
Reporter: News Plus