કોલકાતા/ચેન્નઈ : પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના ભાગરૂપે ગુરુવારે પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કામાં ૧૫૨ બેઠકો પર જ્યારે તમિલનાડુમાં બધી જ ૨૩૪ બેઠકો પર મતદાન થયું હતું.
એસઆઈઆરની કાર્યવાહી હેઠળ લાખો મતદારોના નામ કપાવાની સાથે ભારે હિંસા તેમજ ત્રણ ઉમેદવારો સાથે મારામારી વચ્ચે પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કામાં ઐતિહાસિક ૯૨.૧૪ ટકા મતદાન થયું હતું. બીજીબાજુ તમિલનાડુમાં એક જ તબક્કામાં ૮૪.૯૮ ટકા મતદાન થયું હતું. એટલે કે ગુરુવારે બંને રાજ્યોમાં વિક્રમી મતદાન નોંધાયું છે. બંને રાજ્યોમાં મહિલાઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક મતદાન કરતાં ટકાવારી ઊંચી રહી છે તેમ ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું.પશ્ચિમ બંગાળમાં ગુરુવારે પહેલા તબક્કામાં ૧૬ જિલ્લામાં ૧૫૨ બેઠકો પર સાંજે મતદાન પૂરું થઈ ગયું હતું. અધિકારીઓએ કહ્યું કે, સાંજે ૬.૦૦ વાગ્યા પહેલા મતદાન કેન્દ્રો પર પહોંચી ગયેલા મતદારોને મતદાનની મંજૂરી અપાઈ હતી, જેને પગલે મતદાનની કુલ ટકાવારીમાં આંશિક ફેરફાર જોવા મળી શકે છે.
બંગાળમાં હવે બીજા તબક્કાનું મતદાન ૨૯ એપ્રિલે થશે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના ભાગરૂપે ૯ એપ્રિલે આસામ અને પુડુચેરીમાં પણ વિક્રમી ૮૫.૩૮ ટકા અને ૮૯.૮૩ ટકા મતદાન થયા હતા. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં મતદાન માટે મહિલા મતદારો વિક્રમી સંખ્યામાં આગળ આવી હતી. પશ્ચિમ બંગાળમાં ૯૨.૬૯ ટકા મહિલાઓ જ્યારે ૯૦.૯૨ ટકા પુરુષો મતાધિકાર માટે મતદાન કેન્દ્રોમાં પહોંચ્યા હતા. એ જ રીતે તમિલનાડુમાં પણ ૮૫.૭૬ ટકા મહિલાઓ તથા ૮૩.૫૭ ટકા પુરુષોએ મતદાન કર્યું હતું. એટલે કે બંને રાજ્યોમાં પુરુષો કરતાં મહિલા મતદારો વધુ હતી.
Reporter: admin







