ગઈકાલે રાજકોટમાં ગેમઝોન ખાતે સર્જાયેલ અગ્નિકાંડથી 32 લોકોના મોત થયા છે, ત્યારે આવી જ અન્ય એક ઘટના દિલ્હીમાં બની હતી. વિવેક વિહાર સ્થિત બેબી કેર સેન્ટરમાં શનિવાર રાતે ભીષણ આગ લાગી હતી.
આ સમયે સેન્ટરમાં 11 નવજાત બાળકો દાખલ હતા. તેમાંથી 7 નવજાત બાળકો બળીને ભડથું થઈ ચૂક્યા હતા જ્યારે અન્યને બચાવી લેવામાં આવ્યા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર, બચાવી લેવાયેલ બાળકોને ઍમ્બ્યુલન્સ દ્વારા નજીકના ગુપ્તા નર્સિંગ હોમમાં દાખલ કરી આદેવામાં આવ્યા છે. ફાયર વિભાગને સૂચના મળતા જ પોલીસ અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. રેસ્ક્યૂ ટીમે નવજાત બાળકોને બારીમાંથી બહાર કાઢીને બચાવી લીધા હતા.
જિલ્લાના નાયબ પોલીસ કલેકટર સુરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે શનિવાર રાતે 11 : 30 આસપાસ બેબી કેર સેન્ટરમાં આગ લાગી હોવાની સૂચના મળી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યુ હતું. લોકોએ ઉપરની બાજુ ધુમાડા નીકળતા હોવાનું જોઈને તંત્રને જાણ કરી હતી.થોડી જ વારમાં આ આગ ઉપરના માળ સુધી પહોંચી ગઈ હતી. આગની જ્વાળા આખી બિલ્ડિંગને વીંટળાઇ ચૂકી હતી. ફાયર વિભાગે પાછળની બાજુથી બારીઓને તોડીને એક એક કરીને નવજાત બાળકોને બહાર કાઢ્યા હતા.
Reporter: News Plus