સામાન્ય રીતે બાળકના જન્મ સાથે જ અનેક રોગોથી બચાવવા માટે રસીકરણ દ્વારા તેને આપણે સુરક્ષિત કરીએ છીએ.0થી0૫ વર્ષના બાળકોને પોલીયો ટીપા પીવડાવી સુરક્ષિત રાખવાનું ઉમદા કાર્ય ૨૩ જૂનના રોજ, પોલિયો દિવસ નિમિત્તે દાહોદ જિલ્લામાં રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવશે.
રસીકરણ એ જ શ્રેષ્ઠ માર્ગ છે.પોલિયોનો કોઈ ઈલાજ નથી. દાહોદ જિલ્લામાં બાળ લકવા નાબુદી અભિયાન અંતર્ગત પોલિયો રવિવારના દિવસે ૩૫૨૨૦૧ બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવશે. આ અંગે દાહોદ આરોગ્ય તંત્ર દ્વારા સંપુર્ણ આયોજન કરી લેવામાં આવ્યું છે. દાહોદ જિલ્લાના પાંચ વર્ષથી નીચેના ૩૫૨૨૦૧ બાળકોને રસી આપવા માટે ૧૪૦૯ રસીકરણ બૂથ તેમજ ૨૮૧૮ રસીકરણ ટીમો, બનાવવામાં આવી છે. પ્રત્યેક ટીમમાં આરોગ્ય કર્મચારીઓ, આશા,આંગણવાડી કાર્યકર તથા સ્વંયસેવકો ફરજ નિભાવશે. તમામ આયોજનના અસરકારક અમલ માટે ૨૮૨ સુપરવાઈઝરો નીમવામાં આવ્યા છે.
અંતરીયાળ વિસ્તારમાં કામગીરી કરવા માટે ૧૦ મોબાઇલ ટીમો અને રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન તથા મોટી સંખ્યામાં જયાં લોકો એકત્રિત થાય છે તેવી જગ્યાઓ માટે ૭૩ ટ્રાન્ઝીટ ટીમો બનાવવામાં આવી છે. જેના મારફતે ૨૩ જુન રવીવારે પોલીયો બૂથ પર ટીપા પીવડાવવામાં આવશે તથા કોઈ બાળક રહી જાય તે માટે ૨૪ અને ૨૫ જુને આરોગ્ય વિભાગની ટીમ દવારા ઘરે ઘરે જઈને બાળક રસીકરણ થી બાકી નથી તેની ખાત્રી કરશે અને જો પોલીયો રસીકરણમાં બાળક બાકી હશે તો સ્થળ પર જ રસીકરણ કામગીરી કરવામાં આવશે .
Reporter: News Plus