કેનેડાના સ્ટુડન્ટ વિઝા અપાવવાને બહાને ઠગાઈ કરનાર અમદાવાદનું દંપત્તિ ઝડપાયું કેનેડામાં સ્ટુડન્ટ વિઝા અપાવવાના બહાને વડોદરાના પરિવાર સાથે રૂપિયા 22.42 લાખની ઠગાઈ કરનારા ઠગ દંપતિને પોલીસની ક્રાઈમ બ્રાંચે અમદાવાદથી દબોચી લીધા હતા.
પકડાયેલું દંપતિ હરણી પોલીસના વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ હતુ. પોલીસે બંનેની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી છે.ક્રાઈમ બ્રાંચના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે વડોદરાના એક વિદ્યાર્થીને કેનેડામાં સ્ટુડન્ટ વિઝા અપાવવાને બહાને અમદાવાદના બારેજાની મારવાડી સોસાયટીમાં રહેતા રીતેશ નગીનભાઈ પટેલ અને તેમની પત્નીએ 28.92 લાખ રૂપિયા પડાવી લીધા હતા. ભોગ બનનાર પરિવારે વર્ષ 2021ની 5મી મેથી વર્ષ 2023ની 14મી ડિસેમ્બર સુધીમાં અમદાવાદના દંપત્તિને લાખો રૂપિયા ચુકવી દીધા હતા. તેમ છતાંય વિદ્યાર્થીનું કેનેડા જેવાનુ થયુ ન હતુ. દરમિયાન વિદ્યાર્થીના પરિવારે પૈસા પરત કરવાની માંગણી કરી હતી. જેથી અમદાવાદના દંપત્તિએ 6.50 લાખ રૂપિયા પરત આપ્યા હતા. પણ 22.42 લાખ રૂપિયા પાછા આપ્યા ન હતા.
જેથી વડોદરાના પરિવારે હરણી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદને આધારે અમદાવાદના દંપતિ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. જોકે, પોલીસ ફરિયાદ બાદ ઠગ દંપત્તિ ધરપકડથી બચવા માટે નાસતુ ફરતુ હતુ. દરમિયાન ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે, ઠગ દંપત્તિ એમના બારેજા ખાતેના આવાસમાં આવવાનું છે. જેથી ક્રાઈમ બ્રાંચની ટીમે વોચ ગોઠવીને બંનેને આબાદ ઝડપી પાડ્યા હતા. પકડાયેલ આરોપીઓમાં રીતેશ નગીનભાઈ પટેલ અને એની પત્નીનો સમાવેશ થાય છે. પોલીસે બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
Reporter: News Plus