ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી સ્થિત લિગ્નાઇટ પ્રોજેકટમાં મશીન ઓપરેટર તરીકે કામ કરતા એક ૨૭ વર્ષીય યુવકનું માટી નીચે દબાતા મોત નીપજ્યું હતું. આ અંગે જીએમડીસી સુત્રોમાંથી મળતી વિગતો મુજબ મુળ મધ્યપ્રદેશનો રાજકરણ યાદવ નામનો ૨૭ વર્ષીય યુવક જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટમાં મશીન ઓપરેટર તરીકે કામ કરે છે.
આ યુવક ગતરોજ અન્ય સાથી કર્મીઓ સાથે માઇન્સમાં કામ કરતો હતો ત્યારે એકાએક માટી ધસડતા યુવક મશીન સહિત માટીમાં દબાયો હતો. યુવકની સાથે કામ કરતા અન્ય કામદારો સલામત રીતે બહાર નીકળવામાં સફળ થયા હતા,જ્યારે રાજકરણ મશીન સમેત માટીમાં દબાઇ ગયો હતો.
ઉલ્લેખનીય છેકે રાજકરણ જે મશીનમાં કામ કરતો હતો તે મશીનની કેબિન એસી હોઇ તેની બારીઓ બંધ હતી જેને લઇને તેનો અવાજ બહાર કોઇને સંભળાયો નહિ હોય એમ માનવામાં આવી રહ્યું છે. રાજપારડી પોલીસનો ટેલિફોનિક સંપર્ક કરતા જાણવા મળ્યુ કે મૃતકનો ભાઇ મધ્યપ્રદેશથી આવવા નીકળી ગયેલ હોય તેના આવ્યા પછી અન્ય જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.માઇન્સમાં માટીમાં દબાતા મશીન ઓપરેટરનું મોત થતાં અન્ય સાથી કર્મચારીઓમાં શોકનો માહોલ છવાયો હતો.
Reporter: News Plus