વિશ્વ વિજેતા ખેલાડી રાધા યાદવે કહ્યું – નિર્ભય બનીને રમત રમો, છોકરીઓને પ્રેરણા આપી શકવું એ જ મારો ગર્વ
વડોદરાની દિકરી રાધા યાદવ – વિશ્વ વિજયની ચમક વડોદરામાં ફરી વળી, યુવતી ખેલાડીઓને આપ્યો નિડરતાનો પાઠ....
મહિલા વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાને ફાઇનલમાં હરાવી વિશ્વ વિજેતા બનેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી વડોદરાની રાધા યાદવે બુધવારે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની શુભેચ્છા મુલાકાત લીધી હતી.ભારતીય મહિલા ટીમમાં ઓલરાઉન્ડર તરીકે રમતી રાધા યાદવે 2018માં દક્ષિણ આફ્રિકા સામે 20–20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલીવાર પદાર્પણ કર્યું હતું. કમિશનર સાથેની મુલાકાત બાદ મીડિયાને જણાવ્યું કે “જે ખેલ રમો, તે દિલથી અને નિડરતાથી રમો. જો અમારી રમત છોકરીઓ માટે પ્રેરણારૂપ બની હશે, તો એ સૌથી મોટી સફળતા છે. ત્રણ મેચ હાર્યા બાદ ટીમે દર્શાવેલી એકતા અને ભાવનાએ જ અમને વિજય અપાવ્યો.
કમિશનરે આપેલી શુભેચ્છા અને પ્રોત્સાહન માટે હું આભારી છું.”મ્યુનિ. કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે “રાધા યાદવ વડોદરાની ગૌરવ છે. તેમની સફળતા શહેરની દિકરીઓ તથા તમામ ખેલાડીઓ માટે પ્રેરણાદાયક છે. શહેરમાં રમતવીરોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અમે પ્રતિબદ્ધ છીએ. રાધાને ભવિષ્યમાં જે સહાયની જરૂર પડશે, તે માટે મ્યુનિસિપલ તંત્ર તૈયાર છે.”ઉલ્લેખનીય છે કે મહિલા વર્લ્ડ કપમાં ભારતને વિજય અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનારી રાધા યાદવના સ્વાગત્યે વડોદરામાં 8 નવેમ્બરે ભવ્ય રોડ શો યોજાયો હતો. ત્રણ કલાક સુધી ચાલેલા આ સ્વાગત કાર્યક્રમમાં વિશાળ જનસમુદાય ઉમટ્યો હતો. રસ્તાઓ પર માઇલોથી ઉભેલી જનતા અને યુવતીઓના ચહેરા પર દેખાતો ગર્વ વડોદરાની શાન બનેલી રાધાના ઇતિહાસિક વિજયને ઉજાગર કરતો હતો.
Reporter: admin







