News Portal...

Breaking News :

સરદાર સાહેબે ભારતને એક કર્યું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવાનું વિઝન આપ્યું :- ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી -

2025-11-13 11:58:54
સરદાર સાહેબે ભારતને એક કર્યું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવાનું વિઝન આપ્યું :- ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી -


ભારત પર્વ ૨૦૨૫ : 'એક ભારત શ્રેષ્ઠ ભારત' નો ભવ્યોત્સવ એકતાનગર ખાતે
એકતાનગર ખાતે ભારત પર્વમાં દેશની સંસ્કૃતિ, પરંપરા અને એકતાનું અનોખું પ્રદર્શન
સરદાર વલ્લભભાઈ પટેલના જીવનથી પ્રેરણા લઈ યુવાનો પોતાના જીવનમાં સાહસ, નેતૃત્વ, લોકસેવા આપનાવે :- અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) કૈવલ્ય ત્રિવિક્રમ પરનાઈક



આપણી એકતાનો દર્શન સમગ્ર વિશ્વને કરાવવાનો અવસર એટલે ભારત પર્વ
નર્મદા, તા.૧૨ : ભારત સરકારના પ્રવાસન મંત્રાલય અને ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આ વર્ષે એક અનોખી પહેલ રૂપે “ભારત પર્વ – ૨૦૨૫” નું આયોજન પ્રથમવાર દિલ્હીની બહાર, એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વવિખ્યાત પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાનિધ્યમાં ભવ્ય રીતે કરવામાં આવ્યું છે. દેશની સમૃદ્ધ પરંપરા, કલા, લોકસંસ્કૃતિ અને વારસાને એક જ મંચ પર એકત્ર લાવતો આ પર્વ “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના સૂત્રને સાકાર બનાવે છે.આ પર્વના ૧૨મા દિવસે, દેશના અનેક રાજ્યોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં વિશાળ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમમાં અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) કૈવલ્ય ત્રિવિક્રમ પરનાઈક, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, ઉત્તરપ્રદેશ વિધાનસભા સ્પીકર સતીષ માહના, ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક, ઉત્તર પ્રદેશના જળ શક્તિ મંત્રી દેવસિંહજી, ઉત્તર પ્રદેશના પ્રવાસન મંત્રી જયવીરસિંહ સહિત ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ, કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં કલાકારોએ પોતાના રાજ્યના લોકનૃત્યો, લોકગીતો અને પરંપરાગત કલા પ્રસ્તુત કરી હતી. દરેક રાજ્યના કલાકારોના વેશભૂષા, સંગીત અને નૃત્ય દ્વારા ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિનું જીવંત દર્શન થયું હતું.


ભારત પર્વનાં કાર્યક્રમમાં અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) કૈવલ્ય ત્રિવિક્રમ પરનાઈકએ પ્રાસંગિક ઉદબોધન કરતા ખાસ કરીને, યુવાનોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે, ભારત પર્વ ૨૦૨૫ સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ઉજવાઈ રહ્યું છે. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે રજવાડાઓને એક કરીને સમગ્ર દેશને એકતાના સૂત્રમાં બાંધ્યા હતા. તેમના જીવનથી પ્રેરણા લઈ યુવાનો પોતાના જીવનમાં સાહસ, નેતૃત્વ, લોકસેવા આપનાવે તેમ આહવા્ન કર્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું કે, ગુજરાતની નર્મદા કિનારે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વનું આકર્ષક પ્રવાસન કેન્દ્ર બની ગયું છે. તેમણે અરુણાચલ પ્રદેશ અને ગુજરાત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા થકી વિવિધતામાં એકતારૂપે બંધાયું છે એમ જણાવી બંને રાજ્ય મળી સામુહિક એકતાને પરિપૂર્ણ કરશે એમ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ અવસરે, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાતની ધરાએ ભગવાન કૃષ્ણ, સ્વામી દયાનંદ સરસ્વતી અને મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા અનેક મહાવિભૂતિઓ દેશને આપી દેશને રાહ બતાવનાર રાજ્ય પ્રાચીન સમયથી જ રહ્યું છે. તેમણે આ ભુમીને નમન કરી પોતે બીજી વખત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત અંગે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. આ સાથે તેમણે ૨૦૧૮ ની પોતાની મુલાકાત અને આજની મુલાકાત આમ સાત વર્ષમાં ગુજરાત રાજ્યએ કરેલા વિકાસની ખાસ નોંધ લીધી હતી. તેમણે જણાવ્યું કે, આ સાત વર્ષમાં ગુજરાત સમગ્ર દુનિયામાં બેસ્ટ ટુરિઝામ તરીકે પ્રસ્થાપિત થયું છે. જેની પ્રતિકૃતી ભારત પર્વ કાર્યક્રમ થકી સમગ્ર દેશમાં પહોંચી રહી છે. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ફક્ત ગુજરાતનું નહિ, સમગ્ર ભારતના વિકાસનું પ્રતિક છે, એમ ઉમેર્યું હતું. અંતે તેમણે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વની સરાહના કરતા ઉમેર્યું હતું કે, સરદાર સાહેબે ભારતને એક કર્યું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક ભારતને શ્રેષ્ઠ ભારત બનવાનું વિઝન આપ્યું છે ત્યારે SOU ભારત પર્વનું આયોજન પણ આ એકતાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે, એમ જણાવ્યું હતું. 

ગુજરાત સરકારના વન પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, 
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અહીં વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાના નિર્માણ દ્વારા તેમણે ભારતને વૈશ્વિક પ્રવાસન નકશામાં સ્થાન અપાવવની સાથોસાથ ગુજરાતને આર્થિક રીતે પણ આગળ લાવી શક્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે દેશ અને દુનિયાનું આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું છે. મંત્રીએ, આ પ્રસંગે તમામ મહાનુભાવોને ગુજરાત સરકાર વતી ભાવભીનું સ્વાગત અભિવાદન કર્યું હતું. આ પર્વ દરમિયાન ગુજરાત, અરુણાચલપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મેઘાલય રાજ્યના કલાકારો દ્વારા ભવ્ય લોકનૃત્યો નૃત્ય, અને ગીતોની રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમને મહાનુભાવોએ નિહાળી કલાકારો સાથે સ્મુતિરૂપ સામુહિક તસ્વીર લીધી હતી. આટલું જ નહીં કાર્યક્રમ નિહાળતા અનેક પ્રવાસીઓએ તાળીઓના ગળગાળાટ થકી કલાકરોને વધાવી લીધા હતા. 

Reporter: admin

Related Post