ઉનાળાની સ્થિતિને ધ્યાને રાખી જિલ્લામાં કામ કરતા શ્રમયોગીઓને છાશનું વિતરણ
વડોદરા જિલ્લામાં ૧૭૪ ગ્રામ પંચાયતોમાં મનરેગા હેઠળ ચાલતા કામોમાં જોડાયેલા શ્રમયોગીઓને આકરા ઉનાળા સામે રાહત આપવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હિટવેવથી સ્થિતિને ધ્યાને રાખીને મનરેગામાં કામનો સમય વહેલો કરવામાં આવ્યો છે.જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી હિમાંશુ પરીખે જણાવ્યું કે, મનરેગાના શ્રમયોગીઓને રાહત આપવા માટે હવે સવારે ૬ વાગ્યાથી બપોરના ૧૧ વાગ્યા અને સાંજના ૪ થી ૭ વાગ્યા સુધી કરવામાં આવ્યો છે.
વડોદરા જિલ્લામાં હાલમાં ૧૭૪ ગ્રામ પંચાયતોમાં મનરેગા હેઠળ વિવિધ કામો ચાલી રહ્યા છે અને તેમાં ૧૯૯૫ શ્રમયોગીઓ જોડાયા છે. આકરા ઉનાળાની સ્થિતિને ધ્યાને રાખીને કામના સ્થળે છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ઠંડી છાશનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. કામનો સમય વહેલો કરવામાં આવતા શ્રમયોગીઓને ખાસ રાહત થઇ છે.ચાલુ નાણાકીય વર્ષ દરમિયાનની મનરેગા હેઠળ રોજગારીની તારીજ જોઇએ તો અત્યાર સુધીમાં મનરેગા હેઠળ ૧૨૪૩૪૭ પરિવારોના ૨૩૫૨૦૪ સભ્યોની નોંધણી થઇ છે. તેમાંથી ૩૪૩૮ પરિવારના ૪૫૭૧ વ્યક્તિએ કામની માંગણી કરી છે. હાલમાં ૧૯૯૫ વ્યક્તિ કામમાં જોડાયા છે.
Reporter: News Plus