આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ઉપક્રમે વડોદરા જિલ્લામાં મહિલા સશક્તિકરણ અને સન્માનના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા અને જેમા જિલ્લાની વિવિધ ક્ષેત્રની મહિલાઓ સહભાગી બની હતી. જેમાં કરજણ ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ પ્રેરિત 'નારી સંમેલન"નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કરજણ નગરપાલિકાના પ્રમુખ ઇલાબા અટાલિયા સહિત મહિલા કાઉન્સેલરઓ ઉપસ્થિત રહ્યા હતા.આ નારી સંમેલનમાં કરજણ પોલીસની શી ટીમ દ્વારા સુરક્ષા સેતુ, ૧૮૧ અભયમ હેલ્પ લાઇન સહિતની બાબતો અંગે મહિલાઓને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા મહિલાઓને થતી વિવિધ આરોગ્યલક્ષી સમસ્યાઓ વિષયે સચોટ માહિતી આપવામાં આવી હતી અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા સમજ આપવામાં આવી હતી.

જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા સાચું સ્ત્રી સશક્તિકરણ કોને કહેવાય તેમજ સંઘર્ષ વગર સમાનતા કેવી રીતે કેળવવી અને મેળવવી એ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત જિલ્લાના તાલુકા મથકે મહિલા સ્વચ્છતા કર્મીઓનું સન્માન કરવાના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. ગામને સ્વચ્છ રાખી જનસેવાનું કામ કરતી મહિલાઓને ગામના અગ્રણીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતી.



Reporter: admin







