પુરૂષોની મહેફિલમાં ચર્ચાનો એક ટોપિક હતો... 'સ્ત્રીઓ ફેસબુકમાં પ્રોફાઈલ લોક કેમ રાખે છે?આમ પણ કેટલાક પુરૂષોને ફેસબુકમાં ખાંખાખોળા કરવાની આદત હોય છે. સર્ચ કરતા કરતા એકાદ સારો ચહેરો દેખાય એટલે તરત જ રિકવેસ્ટ મોકલી દે. એકસેપ્ટ થાય તો ખુશી.. ન થાય તો બીજી.. આવી માન્યતા અમુક પુરૂષો ધરાવતા હોય છે. તેમાં હવે આ 'પ્રોફાઈલ લોક' વાળી વાત તેમને ગમતી નથી. તેમનું માનવું છે કે ફેસબુક તો ચર્ચાનો ચોરો છે, પંચાતની પાઠશાળા છે. આમાં તો દુનિયા આખી જોડાયેલી છે. ફેસબુકના માધ્યમથી તો દેશ-દુનિયાના લોકો વચ્ચે મિત્રતા થઈ શકે છે. તેમનું કહેવું એમ હતું કે આ તો વર્ચ્યુલ દુનિયા છે. આપણે ક્યાં કોઈ સ્ત્રી સાથે પ્રેમ કરવો છે? ક્યાં કોઈને ઘરે બોલાવવા છે? આપણે શું તેને ચોટી પડવાના છીએ કે પ્રોફાઈલ લોક રાખે છે? આ તો ખાલી મેસેજની દોસ્તી છે. થોડીવાર મન-મગજ ફ્રેશ થવા બે-ચાર મેસેજની, ઈમોજીની, ફોટાની આપ લે કરી લઈએ તેમાં ક્યાં તેની દુનિયા લંંૂટાય જવાની છે? આપણે ક્યાં તેના ઘરે જવું છે? આ તો થોડી હળવાશ.. તેમાં પણ પાબંધી? લોક પ્રોફાઈલ..?
બીજી એક વાત પણ પુરૂષોને ખટકે છે એ છે કે સ્ત્રીઓ પોતાના ફેસબુક એકાઉન્ટમાં પોસ્ટ તો મૂકે છે. પણ સેટીંગમાં તે પ્રાઈવેટ રાખે છે તેની પોસ્ટ માત્ર મિત્રો જ જોઈ શકે. પુરૂષોની ફરિયાદ છે કે પોસ્ટ મૂક્યા પછી પણ પ્રાઈવેટ રાખવાની શું જરૂર? મારી પોસ્ટ જોવા તેમણે તેના મિત્રો હોય તેના એકાઉન્ટની મદદ લેવી પડે છે પછી તો પોસ્ટ કે ફોટા ગમી જાય તો બીજી પોસ્ટ જોવા જાય તો પ્રોફાઈલ લોક...
બસ.. આ વાતને કારણે જ સ્ત્રીઓ પ્રોફાઈલ લોક રાખે છે. સ્ત્રીને ટાઈમપાસ નથી બનવું. આ બાબતમાં કેટલીક સ્ત્રીઓ સાથે વાત થઈ તો પ્રોફાઈલ લોક રાખવાના કારણ માટે તેમણે કહ્યું તે આ પ્રમાણે છે..
પ્રોફાઈલ લોક ન હોય અને પોસ્ટ પણ પ્રાઈવેટ ન હોય તો દુનિયાભરમાંથી મનફાવે તે પ્રોફાઈલ-પિકચર પોસ્ટ જોઈ શકે પછી રિકવેસ્ટ મોકલે, રિકવેસ્ટ સ્વીકારીએ એટલે પછી લાઈક-કોમેન્ટ પછી તરત જ મેસેજનો મારો કરે. હાય.. હેલ્લો.. કેમ છો? ક્યાંથી છો? ક્યાં રહો છો? એવં બધું.. પછી મેસેન્જરમાં તમારી પોસ્ટ બહુ સારી છે. કે તમારો ફોટો બહુ સુંદર છે. ક્યાંક તો ફેસબુકની પોસ્ટમાં પણ લખાણ કરવામાં ઉતાવળ કરી નાખે, ક્યારેક કોઈએ કવિતા કે લખાણ મૂક્યું હોય તો.. તમે બહુ સારૂ લખો છો. હું તમારા લખાણનો ફેન છું. તમારૂ લખાણ મને મોટીવેશન આપે છે. તમે બહુ હિંમતવાળા છો. આવું આવું લખીને કોમેન્ટ કરે છે. આવું બધું સ્ત્રીઓને વધુ પડતું લાગે છે.
એ સાચું કે ઈનબોક્સ કે મેસેન્જર વાત કરવા માટે છે. ફેસબુક દોસ્ત બનાવવા માટેજ છે. કોઈપણ વ્યક્તિ ફેસબુક પર લખાણ કવિતા-ઈમેજ કે પોતાનો ફોટો પોસ્ટ કરે ત્યારે લાઈક-કોમેન્ટની ઈચ્છા હોય જ.. પણ તેમાં ક્યાંક મર્યાદા પણ હોય ને.. અને મોટાભાગે સ્ત્રી નથી ઈચ્છતી કે તેની પોસ્ટ બધા જોવે અને કોઈપણ વ્યક્તિ કોમેન્ટ કરે. થોડા સમય લાઈક કોમેન્ટ કર્યા પછી જો સ્ત્રી રિએક્ટ ન કરે તો.. પછી પુરૂષો, 'મારી સાથે વાત કેમ નથી કરતા? ક્યારેક ફોન પણ કરી લો.. ક્યારે ફ્રી હશે? મારી સાથે દોસ્તી કરશો?' જેવા કેટલાય મેસેજ કરે છે.
આ એક એવી સમસ્યા છે કે જેનો દરેક સ્ત્રીને ક્યારેક તો સામનો કરવો પડ્યો હશે જ.. જો કે ફેસબુક બન્યું જ છે. લાઈક-કોમેન્ટ માટે, મેસેન્જર પણ અજાણ્યા સાથે ચેટ કરવા માટે જ છે. પણ તેમાં કોની સાથે વાત કરવી, કોને દોસ્ત બનાવવા એ પ્રશ્ન બહુ અઘરો છે. ક્યારેક સ્ત્રી માનીને જેની રિકવેસ્ટ સ્વીકારી હોય તે પણ પુરૂષ હોય એવંુ પણ બને. એક સર્વે પ્રમાણે ભારતમાં સ્ત્રીઓની ખરેખર જેટલી સંખ્યા છે તેના કરતા વધારે સંખ્યા ફેસબુક પર છે. સમજી શકાય કે આમાં ફેક આઈડીની જ વાત છે. ફેસબુક નવું આવ્યું ત્યારે બધાને દોસ્ત બનાવવાનો ઉત્સાહ હતો જ.. દુનિયા એક મોબાઈલમાં સમાય ગઈ અને ગમે તે ખૂણે વસતા, જોજનો દૂર વસતા લોકોને પણ દોસ્ત બનાવી શકાય એ વાતનો રોમાંચ હતો. પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ફેસબુકમાં પુરૂષોના અપલક્ષણ દેખાવા લાગ્યા. ફેસબુકની દોસ્તીનો સાચી દોસ્તી માનીને સ્ત્રીઓ પર હક્ક જતાવવા લાગ્યા. ઘણા તો કોની લાઈક આવી, કોણે શું કોમેન્ટ કરી એ પણ જોતા હોય છે. આવું બધુ થાય એટલે સ્ત્રી કંટાળી જાય. તેને દોસ્ત જોઈએ છે, માલિક નથી જોઈતા અને આવા બધા પ્રશ્નોના કારણે જ અજાણ્યાથી બચતા સ્ત્રીઓએ પ્રોફાઈલ લોક રાખવાનું શરૂ કર્યું. એવું નથી કે બધા ખરાબ છે કે વિકૃત છે. કોઈની કવિતા, લખાણ ક્ષેત્ર ગમી જાય તો લાઈક-કોમેન્ટ કરી જ શકાય. વાતનો વિષય હોય તો વાત કરવામાં ખરાબી નથી. પણ એ જાહેરમાં થાય તો યોગ્ય છે પણ કોઈની પોસ્ટ ગમી જાય અને ત્યાં જ કોમેન્ટ કરવાને બદલે મેસેન્જરમાં કરવામાં આવે તો તેનો અર્થ થોડો જુદો થઈ જાય છે, અને સ્ત્રીઓને આ જલદીથી નજીક આવી જતા લોકો નથી જ ગમતા, સાચા વખાણ અને ખોટી વાહ વાહનો ભેદ તેને સમજાય જ છે. એવું નથી કે સ્ત્રી કોઈ સાથે વાત નથી કરતી. તે પણ વાત કરે જ છે, પણ તેમાં તેની સહમતી હોય છે તેને પોતાની સલામતી દેખાતી હોય ત્યાં જ વાત કરે છે. લાઈક-કોમેન્ટ પછી મેસેન્જર સુધી પહોંચતા વાતના ટોપિક-વાતની દિશા બદલાય જાય છે, એ તેને નથી ગમતું. વિજાતીય આકર્ષણ સ્વાભાવિક જ છે. પણ દરેક તરફ આકર્ષણ તો ન જ હોય ને.. કોઈ સ્ત્રીને ગુંગળામણ થવા લાગે એ હદે વખાણ કરવા કે મેસેજ કરવા એ યોગ્ય નથી જ ને.. અને આ જ બધા કારણોથી સ્ત્રી પ્રોફાઈલ લોક રાખે છે.
Reporter: News Plus