વડોદરા : વેમાલી ગામ અંબે રેસિડેન્સીમાં રહેતી ૩૦ વર્ષની મહિલાએ ગઇકાલે રાતે અટલ બ્રિજ પરથી નીચે પડતા ગંભીર ઇજા થઇ હતી.
જેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું છે.પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વેમાલી ગામ અંબે રેસિડેન્સીમાં રહેતા ૩૦ વર્ષના ઇસ્પાબેન તુષારભાઇ દલાલ ગઇકાલે રાતે પોણા અગિયાર વાગ્યે અટલ બ્રિજ ગેંડા સર્કલ નજીક ઉપરથી નીચે પટકાતા ગંભીર ઇજા થઇ હતી. બનાવના પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. મહિલાને સારવાર માટે એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.
પરંતુ, મોડી રાતે પોણા એક વાગ્યે ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બનાવ અંગે અલગ - અલગ ચર્ચા ચાલી રહી છે. મહિલા બ્રિજની પાળી પર બેસવા જતા નીચે પડી ગઇ હતી. બીજી ચર્ચા એવી છે કે, મહિલાએ ઉપરથી નીચે કૂદીને આપઘાત કર્યો છે. ત્રીજી ચર્ચા એવી છે કે, મહિલાને કોઇએ ધક્કો મારી દીધો. બનાવ અંગે ગોરવા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઇસ્પાના પતિ અમેરિકા રહેતા હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં તેનો મૃતદેહ કોલ્ડ રુમમાં મૂકવામાં આવ્યો છે.
Reporter: admin