નવી દિલ્હી: શોલે ફિલ્મના વિલન ગબ્બરસિંહના એક સંવાદનો ઉપયોગ કરતાં સુપ્રીમ કોર્ટે ગેન્ગસ્ટરમાંથી રાજકારણી બનેલા અરુણ ગવળીની હત્યા કેસમાં વહેલી મુક્તિ અંગેની અરજી પર પોતાનું અગાઉનું વલણ જાળવી રાખતાં વહેલી મુક્તિ આપવાનો ઈનકાર કરી દીધો હતો.
બુધવારે જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે પાંચમી એપ્રિલે મુંબઈ હાઈ કોર્ટની નાગપુર ખંડપીઠે આપેલા આદેશ પર ત્રીજી જૂનના પોતાના આદેશને જાળવી રાખતાં સ્થગનાદેશ મૂક્યો હતો અને અપીલની સુનાવણી માટે 20 નવેમ્બરની તારીખ આપી હતી.
અમે કોઈપણ વચગાળાની રાહત આપવા માગતા નથી. વચગાળાના સ્થગનાદેશને કાયમી કરવામાં આવ્યો છે. અપીલની સુનાવણી 20 નવેમ્બરે રાખો એમ ખંડપીઠે જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર સરકાર વતી હાજર રહેલા રાજા ઠાકરેએ કહ્યું હતું કે ગવળી સામે 46થી વધુ ગુના નોંધાયેલા છે અને તેમાં 10થી વધુ હત્યાના કેસ છે.
સર્વોચ્ચ અદાલતે એવો સવાલ કર્યો હતો કે ગવળીએ છેલ્લાં પાંચથી આઠ વર્ષમાં કશું કર્યું છે? ત્યારે ઠાકરેએ જવાબ આપ્યો હતો કે 17 વર્ષથી ગવળી કારાવાસમાં છે.
આ સમયે ખંડપીઠે કહ્યું હતું કે મેડમ તમારે એક વાત યાદ રાખવી જોઈએ કે બધા લોકો અરુણ ગવળી હોતા નથી. શોલે ફિલ્મમાં એક યાદગાર ડાયલોગ છે કે ‘સો જા બેટા, વરના ગબ્બર આ જાયેગા.’ અહીં પણ આ જ વાત લાગુ પડી શકે છે.
ગવળીની સ્થિતિ અંગે માહિતી આપતાં રામકૃષ્ણને કહ્યું હતું કે તેને હૃદયરોગ છે અને ફેફસાંમાં તકલીફો છે.
તેનો જવાબ આપતાં ઠાકરેએ કહ્યું હતું કે સળંગ 40 વર્ષ સુધી ધુમ્રપાન કરવાને લીધે આ તકલીફો છે.
અરુણ ગવળી શિવસેનાના નગરસેવક કમલાકર જામસાંડેકરની 2007માં થયેલી હત્યાના કેસમાં કારાવાસ ભોગવી રહ્યા છે.
Reporter: admin