મુંબઈ: મહારાષ્ટ્ર સરકારની મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજના રાજ્યની મહિલાઓ માટે ખૂબ મદદરૂપ સાબિત થશે તેવું જણાઇ રહ્યું છે અને બીજી બાજુ વિપક્ષ આ યોજનાની વારંવાર ટીકા કરી રહેતા આ યોજના સતત ચર્ચામાં છે. જોકે મહિલા કલ્યાણ માટેની આ યોજનાના કારણે એક મહિલાનું લગ્નજીવન સંકટમાં મૂકાઇ ગયું હોવાની વિચિત્ર ઘટના છત્રપતિ શિવાજી નગર વિસ્તારમાં સામે આવી છે.
- ભાજપના વિધાનસભ્ય સિદ્ધાર્થ શિરોળેએ લાડકી બહેન યોજનાના પ્રચાર માટે એક બેનર જાહેરમાં મૂક્યું હતું અને કોઇપણ જાતની પરવાનગી લીધા વિના બેનર પર બે મહિલાના ફોટા મૂક્યા હતા. જોકે, પોતાની પત્નીનો ફોટો બેનર પર જોઇને તેના પતિએ પત્નીને છૂટાછેડા આપવાની ધમકી આપી છે. હવે આ પ્રકરણે મહિલાએ વિધાનસભ્ય શિરોળે વિરુદ્ધ પોલીસ કમિશનર પાસે ફરિયાદ કરી છે.
- શિરોળેએ લગાવેલા બેનર-હોર્ડિંગ આખા શહેરમાં લગાવવામાં આવ્યા હતા. આ બેનરો જોતા ફોટામાંની એક મહિલાના પતિ ખૂબ નારાજ થયા હતા. બેનર પર નમ્રતા કાવળે અને ભાગીરથીબાઇ કુરણે આ બે મહિલાના ફોટા મૂકવામાં આવ્યા હતા. જોકે ફોટાનો ઉપયોગ કરતા પૂર્વે મહિલાઓની પરવાનગી લેવામાં આવી નહોતી.
નવાઇની વાત તો એ છે કે બંનેમાંથી એકપણ મહિલાએ લાડકી બહેન યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરી નથી. ભીમ આર્મીના પદાધિકારી સીતારામ ગંગાવણેએ બંને મહિલા સાથે બેનરની સામે જ ફેસબુક લાઇવ કર્યું હતું અને બંને મહિલાને ફસાવવામાં આવી હોવાનો આરોપ કર્યો હતો તેમ જ સરકારની ટીકા કરી હતી. લાડકી બહેન યોજનાના કારણે ગરીબ મહિલાઓનો સંસાર બરબાદ થઇ રહ્યો હોવાની ટીકા ગંગાવણેએ કરી હતી.
Reporter: admin