News Portal...

Breaking News :

દાઉદના કેસમાં ૩૯ વર્ષની નિષ્ક્રિયતા પછી એકાએક સક્રિયતા કેમ?દળી દળીને કુલડીમાં જેવો ઘાટ દાઉદના કેસમાં થયો

2024-05-01 08:14:00
દાઉદના કેસમાં ૩૯ વર્ષની નિષ્ક્રિયતા પછી એકાએક સક્રિયતા કેમ?દળી દળીને કુલડીમાં જેવો ઘાટ દાઉદના કેસમાં થયો



   ૧૯૮૩ માં દાઉદ અને સાગરીતો સામે વડોદરામાં કેસ નોંધાયો.એક અઠંગ દાણચોર અને ઉભરતા ક્રિમીનલને બીજી ગેંગનાં દાણચોરની રિવોલ્વરની ગોળીથી ઇજા થઇ અને ભલીભોળી વડોદરા પોલીસે કહ્યાગરા થઈને માત્ર શસ્ત્રધારાની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી સંતોષ માણ્યો.
  સંજોગો કોઈ મોટી ગરબડ છે,જે દેખાય છે એ હિમશિલાની ટોચ છે અને જે ખૂબ ઊંડાણમાં છે એ દેખાતું નથી..આ બધું સ્પષ્ટ હોવા છતાં ગેરકાયદે હથિયાર રાખવા થી આગળ કલ્પના શક્તિ વધી જ નહિ. દાઉદ ચહેરે મોહરે જ કદાચ એ વખતે એટલો બધો નિર્દોષ દેખાતો હશે કે પોલીસ દાદા ભોળવાઈ ગયા.
   એક મોટી ખામી રાખીને કેસ નોંધાઈ ગયો, અને આ ખામી છેક ૪૦ વર્ષે ધ્યાનમાં આવી.એટલે અરેરાટી થઈ.અરેરે! અહીં તો આખું કોળું શાકમાં રંધાયું છે.
  કેસ નોંધાયો ત્યારે તપાસ પી.આઈ.કક્ષાના અધિકારી પાસે હતી.સ્વાભાવિક છે એની ઉપર એસીપી,ડીસીપી,જોઇન્ટ સિપી,સીપી અને રાજ્ય સરકારના ગૃહ વિભાગનું સુપરવિઝન હશે જ. પી.કે.દત્તા,પી.સી.ઠાકુર,ચિત્તરંજનસિંઘ જેવા જાંબાઝ IPS અધિકારીની ટીમ કામ કરી રહી હતી.વિદ્વાન સરકારી વકીલે પણ આખો કેસ,ચાર્જશીટ વગેરે તપસ્યા અને ચકાસ્યા હશે.પણ આ તમામ પૈકી કોઈની પાસે એટલી બારીક દૃષ્ટિ જ ન હતી કે કલેકટરની પૂર્વ પરવાનગી ખૂટે છે!!



પોલીસ કોર્ટમાં સ્થાનીક જામીનદાર તથા સાહેદોને પણ રજૂ કરી શકી નથી


ડોન દાઉદનાં કેસમાં આરોપીઓ મળી આવતા નથી, તેવો PI મકરપુરાએ કોર્ટમાં રિપોર્ટ કરેલ હતો, અને તેમને ભાગેડુ જાહેર કરેલ છે. પરંતુ ખાનગી અને સરકારી સાહેદો અને જામીનદાર, એ સ્થાનિક વડોદરાનાં હોવા છતાં પણ વખતો-વખતની પોલીસ અને હાલની પોલીસ કોર્ટમાં સ્થાનીક જામીનદાર તથા સાહેદોને પણ રજૂ કરી શકી નથી !! હાલનાં ઉચ્ચ અધિકારીઓએ પણ આ કેસનું મોનિટરિંગ કરવાની દરકાર કરી નથી...
   છેક ૨૦૨૨ માં કોઈની સૂક્ષ્મ દર્શક દૃષ્ટિએ શોધી કાઢ્યું કે કલેકટરની પરવાનગી જ લેવાઇ નથી, એટલે આ કેસ ના ટકે.ચાલો જે તે સમયે ભૂલ થઈ તો તેને સુધારવાનો કોઈ વિકલ્પ છે કે નહિ એનો વિચાર કરવામાં જ ન આવ્યો. કાયદાનો અભ્યાસ કર્યા વગર જ ચાર્જશીટ થઈ !
  


આ કેસમાં ઊંઘ બહુ ઘેરી હતી અને લાંબી હતી.સહુની આંખો ૨૦૨૨ માં ખુલી.ધડાધડ વોરંટ નીકળ્યા.આરોપી,સ્થાનિક સાહેદો,જમીનદારો કોણ હતા? ક્યાં ખોવાઈ ગયા. સવાલો તો સંખ્યાબંધ છે પણ જવાબ શૂન્ય છે.કદાચ શૂન્યથી નીચે માઈનસ માં છે.કહેવાય છે કે નસીબદારને ભૂત રળે.દાઉદ તો સવાયો નસીબદાર નીકળ્યો.અઠ્ઠંગ ગુનેગાર,દેશદ્રોહી,બોમ્બ બ્લાસ્ટ કરાવનાર હત્યારો કેસમાંથી બરી થઈ ગયો.એક લસરકો પણ પડ્યો નહિ.હવે જોઈએ આગે આગે હોતા હૈ ક્યા???

Reporter: News Plus

Related Post