આપણા ધારાસભ્યો પાસે લોકોની ખૂબ અપેક્ષા હોય છે. પરંતુ વિધાનસભામાં પ્રવેશ્યા પછી કેટલાક રબર સ્ટેમ્પ ધારાસભ્યો પોતાનો માઈન્ડ એપ્લાય કર્યા વગરનાં પ્રશ્નો પૂછ્યા રાખે છે અથવા મૌન ધારણ કરવાનું પસંદ કરે છે !!
પ્રશ્નો બનાવનાર અને પ્રશ્નોની રજૂઆત કરનાર વ્યકિત અલગ અલગ હોય તો જ આવા ગોટાળા થાય
આપણા ધારાસભ્યો વિધાનસભામાં પ્રજાની તકલીફો દૂર કરવા અંગેના સવાલો કેમ પુછતા નથી ?
જેનો જવાબ સ્થાનિક અધિકારી ફોન પર આપી શકે, કે પછી RTI થઈ પણ મેળવ શકાય તેવો સવાલ વિધાનસભામાં પુછવા પાછળનું કારણ શું ?
વિધાનસભામાં પ્રશ્ન પુછવો એ ધારાસભ્યનો અબાધિત અધિકાર છે. સ્વાભાવિક છે કે, ધારાસભ્ય લોકોની સમસ્યા અંગે સવાલ કરે તે ઈચ્છનીય છે. શું આપણા ધારાસભ્યો ખરેખર પ્રજાની તકલીફોને દૂર કરવા માટે વિધાનસભામાં પ્રશ્નો કરે છે ખરાં ? તમને જાણીને નવાઈ લાગશે પણ વિધાનસભામાં પુછાતા મોટાભાગના સવાલો પ્રજાની અપેક્ષા કરતા બિલકુલ વિપરીત જ હોય છે. ૯મી સપ્ટેમ્બરે ગુજરાતની ૧૫મી વિધાનસભાના ત્રણ દિવસના સાતમાં સત્રનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં તારાંકિત પ્રશ્નોત્તરી યોજાઈ હતી. આ સત્રમાં સરકારના નાણા-પ્રોટોકોલ-સહકાર-મહિલા અને બાળ કલ્યાણ-અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો - કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ-શ્રમ અને રોજગાર-જળસંપત્તિ અને પાણીપુરવઠા-ઉદ્યોગ-ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ - મીઠા ઉદ્યોગ- નાગરિક ઉડ્ડયન - સામાજિક ન્યાય અને અધિકારીતા - છાપકામ અને લેખન સામગ્રી - લઘુ-સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ જેવા ૨૧ જેટલા વિભાગોના મંત્રીઓ ધારાસભ્યોએ પુછેલા પ્રશ્નોના જવાબ આપવાના હતા. ત્રણ દિવસના સત્ર દરમિયાન કુલ ૧૮૩ સવાલો પુછવામાં આવ્યા હતા. વડોદરાની વાત કરીએ તો ત્રણ દિવસનાં વિધાનસભા સત્રમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર, ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ અને સયાજીગંજના ધારાસભ્ય કેયૂર રોકડિયાએ પણ પ્રશ્નો કર્યા હતા. ચોંકાવનારી વાત એ હતી કે, વડોદરા જિલ્લાના લગભગ બધા જ ધારાસભ્યોના સવાલો બિલકુલ એક સરખા હતા. આ સવાલો પણ એવા હતા કે, જો ધારાસભ્ય તરીકે સંબંધીત અધિકારીને પુછવામાં આવે તો એનો તાત્કાલિક જવાબ મળી જાય,એવા સવાલો વિધાનસભામાં પુછવામાં આવ્યા હતા. હકીકતમાં પ્રશ્નોત્તરી વિધાનસભાની કાર્યવાહીનો મહત્વનો ભાગ છે. બ્રિટિશકાળથી વિધાનસભામાં પ્રશ્નોત્તરીનો સમાવેશ થયેલો છે. જે શિરસ્તો આજદીન સુધી યથાવત છે. ચુંટાયેલા ધારાસભ્યોને વિધાનસભામાં પ્રશ્ન પુછવાનો અબાધિત અધિકાર છે. પણ અફસોસ આપણા ધારાસભ્યો પ્રજાને લગતા સવાલો પુછતા નથી. તમને જાણીને આંચકો લાગશે કે, વિધાનસભામાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે પ્રશ્ન કર્યો હતો કે,તા. 30.06.2025ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં વડોદરા જિલ્લામાં કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા પેકેટ પર છાપેલી કિંમત કરતા વધારે કિંમત વસુલ કરવા બાબતે કેટલા વેપારી એકમો સામે શી કાર્યવાહી કરવામાં આવી ? વડોદરા જિલ્લાની ૨૦ લાખથી વધારે જનતાને હજી માલુમ નથી પણ કરજણના ધારાસભ્યે કરેલો આ સવાલ એટલો મહત્વનો હતો કે, ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા), પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે પણ વિધાનસભામાં આ જ સવાલ કર્યો હતો !! હવે આપણે પ્રશ્ન સમજીએ...ધારાસભ્ય અક્ષય પટેલે પુછ્યું હતુ કે, એક વર્ષમાં વડોદરા જિલ્લામાં કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા પેકેટ પર છાપેલી કિંમત કરતા વધારે કિંમત વસુલ કરવા બાબતે કેટલા વેપારીઓ સામે શી કાર્યવાહી થઈ ? આ સવાલ વાંચીને અમારી સમજણ મુજબ એનો મતલબ એવો થાય કે, વડોદરા જિલ્લામાં એમઆરપી કરતા વધારે કિંમતમાં ચીજવસ્તુ વેચતા કેટલા વેપારીઓ સામે તોલમાપ શાખાએ કાર્યવાહી કરી ? અને જો કરી હોય તો શું કાર્યવાહી કરી ? અમારું માનવુ છે કે, જો, ચારમાંથી એકપણ ધારાસભ્યને આ પ્રશ્નનો ખરેખર જવાબ મેળવવો હોય તો તોલમાપ શાખાનો અધિકારી ગણતરીના કલાકોમાં એનો વિસ્તૃત જવાબ આપી શકે. હવે, જનતાના મનમાં સવાલ ઉભો થાય છે કે, આવો સવાલ વિધાનસભામાં પુછવાનો શો મતલબ ? શું વડોદરા જિલ્લામાં પ્રજાના પ્રશ્નો કે, વિકાસલક્ષી કોઈ એવો સવાલ નથી જે સરકારને વિધાનસભામાં પુછી શકાય ? આપણાં ગુજરાતની વિધાનસભામાં શું ચાલી રહ્યુ છે ? તેની પણ જાણકારી રાખવી જોઈએ. આપણે ચુંટેલા ધારાસભ્યો વિધાનસભામાં કેવા-કેવા સવાલો કરે છે ? તે જાણવુ પણ આપણો અધિકાર છે. કેવા પ્રશ્નો પૂછે છે તેનાથી ધારાસભ્યની બુદ્ધિમત્તાનું લેવલ ખ્યાલ આવે છે ?
વડોદરા જિલ્લાના ધારાસભ્યોએ એક જેવા ત્રણ સવાલો પુછ્યાં
(૧) ૩0મી જૂનની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં વડોદરા જિલ્લામાં કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા પેકેટ ઉપર છાપેલી કિંમત કરતા વધારે કિંમત વસુલ કરવા બાબતે કેટલા વેપારી એકમો સામે શી કાર્યવાહી કરવામાં આવી ? (વિધાનસભામાં આ પ્રશ્ન વડોદરા જિલ્લાના કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પુછ્યો હતો )
(૨) 31મી જુલાઈની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વડોદરા જિલ્લામાં કેટલા કીલોમીટર લંબાઈની ખેતીવાડી વીજ લાઈનના ખુલ્લા તારને કોટેડ વાયરમાં રુપાંતરીત કરવામાં આવ્યા અને તે માટે કુલ કેટલો ખર્ચ થયો ? (વિધાનસભામાં આ પ્રશ્ન વડોદરા જિલ્લાના ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે પુછ્યો હતો)
(૩) 31મી માર્ચની સ્થિતિએ આત્મનિર્ભર ગુજરાત યોજના-લાર્જ અને થ્રસ્ટ સેક્ટરને સહાય યોજના અંતર્ગત છેલ્લા બે નાણાકીય વર્ષમાં વડોદરા જિલ્લાના કેટલા મોટા કદના ઉદ્યોગોની રજિસ્ટ્રેશન માટેની અરજી મંજૂર કરવામાં આવેલ છે અને આ એકમો થકી કેટલુ મૂડી રોકાણ ઉભુ થયુ છે ? ( વિધાનસભામાં આ પ્રશ્ન વડોદરા જિલ્લાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે પુછ્યો હતો )
વિધાનસભામાં પ્રશ્નો પુછવા કેમ જરુરી છે ?
મુખ્યત્વે તારાંકિત અને અતારાંકિત એમ બે પ્રકારના પ્રશ્નો હોય છે. તારાંકિત પ્રશ્નો સંસદ કે વિધાનસભાનું સત્ર ચાલુ હોય ત્યારે પૂછાય છે. તેના લેખિત ઉપરાંત મૌખિક જવાબ મળે છે. તારાંકિત પ્રશ્નો પર પૂરક પ્રશ્નો પૂછવામાં આવે છે. તેના પર ચર્ચા થાય છે. સરકારને જવાબમાં ન માત્ર આશ્વાસન, ખાતરી પણ આપવી પડે છે. સંસદ અને રાજ્યોની વિધાનસભામાં આરંભનો એક કલાક તારાંકિત પ્રશ્નોત્તરી માટે ફાળવવામાં આવે છે. અતારાંકિત પ્રશ્ન ગૃહની બેઠક ચાલુ ન હોય ત્યારે પણ પૂછી શકાય છે તેના માત્ર લેખિત જવાબ મળે છે, કોઈ મૌખિક જવાબ, પૂરક પ્રશ્ન કે ચર્ચા થઈ શકતી નથી.
વિધાનસભામાં કેવા પ્રશ્નો પુછવા જોઈએ ?
એક જમાનો હતો જ્યારે સરકાર અને મંત્રીઓ માટે વિધાનસભામાં પ્રશ્નોત્તરી કસોટીનો કલાક ગણાતો હતો એટલે અનિવાર્ય કારણો સિવાય રાજ્યોની વિધાનસભામાં મુખ્ય મંત્રી અને સિનિયર મંત્રીઓ તૈયારી કરીને આવતા હતા. સામાન્ય રીતે વિધાનસભામાં વહીવટી તંત્ર, સરકારી યોજનાઓ અને લોકોની સમસ્યાઓ અંગે માહિતી માંગતા પ્રશ્નો પૂછાય છે, ચર્ચાય છે એટલે સરકારને પ્રજા જીવનના ધબકાર પ્રશ્નકાળ દરમિયાન જાણવા મળે છે. સત્તા પક્ષના સભ્યો અને મંત્રીઓ પોતાની વાહવાહી માટે તો વિપક્ષો સરકારને ભીંસમાં લેવા કે મૂંઝવવા પ્રશ્નોત્તરી સમયનો ઉપયોગ કરતા હોય છે. પ્રશ્નકર્તા સભ્ય અને ઉત્તરદાતા મંત્રી વચ્ચેના સંવાદ-વિવાદ, વ્યંગ્ય-વિનોદ અને હાજર જવાબીપણાને કારણે પ્રશ્નકાળ રસપ્રદ બની રહે છે.
વડોદરામાં સ્થાયી પહેલા સંકલનની બેઠકમાં બધું જ નક્કી થાય છે
ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના ટૂંકા સત્રમાં વડોદરા જિલ્લાના ચાર ધારાસભ્યોએ લગભગ એક જ પ્રકારના પ્રશ્નો પુછ્યા હતા. જે શંકા ઉભી કરી છે કે, વિધાનસભામાં ક્યો પ્રશ્ન પુછીશું તેનું પણ સંકલન થયુ હોવુ જોઈએ. ગુજરાત વિધાનસભામાં જ નહીં પરંતુ, વડોદરા કોર્પોરેશનમાં સ્થાયી સમિતિની બેઠક પહેલા પણ ભાજપ કાર્યાલયમાં કાઉન્સિલરોની સંકલન મળે છે. અને તેમાં ક્યા-ક્યાં એજન્ડા લેવા તેની ચર્ચા થાય છે. એટલું જ નહીં વિરોધ પક્ષના સવાલો સામે શું કરવું તેની પણ યોજના બનાવી લેવાય છે. જેવી રીતે સ્થાયી સમિતિની બેઠક પહેલા સંકલન યોજવામાં આવે છે. તેવી જ રીતે જિલ્લા કલેક્ટર કચેરીમાં ધારાસભ્ય અને સાંસદની મોટી સંકલનની બેઠક યોજાય છે.
Reporter: admin







