નકલી ફાયર એન ઓ સી મામલે રાવપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ અપાઈ : સીએફઓ

વડોદરા શહેરમાં નકલી ફાયર એનઓસી ફરતી હોવાના મામલે હવે ફાયર બ્રિગેડ દ્વારા રાવપુરા પોલીસને લેખીત જાણ કરવામાં આવી છે. શહેરમાં ત્રણ મહિનામાં બે નકલી ફાયર એનઓસી મળવાનો મામલો ગંભીર કહી શકાય.લોકોની સુરક્ષા અને સલામતી સાથે સંકળાયેલો વિષય છે. રાવપુરા પોલીસે આ મામલે ગંભીરતાથી તપાસ કરવી જરુરી છે. અગાઉ ત્રણ મહિના પહેલા 15 એપ્રિલે આજવા રોડના અર્શ કોમ્પલેક્ષને અપાયેલી નકલી ફાયર એનઓસી મળી આવી હતી અને ત્યારે રાવપુરા પોલીસે ફાયર બ્રિગેડના અધિકારીઓના જવાબ અને હોસ્પિટલ સંચાલકનો જવાબ લઇને મામલો બાપોદ પોલીસના વિસ્તારમાં બન્યો હોવાથી બાપોદ પોલીસને તપાસના કાગળો સોંપી દીધા હતા. ત્યારબાદ બાપોદ પોલીસે પણ નિવેદનોના નામે તપાસમાં ભીનુ સંકેલી દીધું હતું. હવે જે નકલી ફાયર એનઓસી વાયરલ થઇ છે તે મહાલક્ષ્મી કોમ્પલેક્ષ હરણીની છે અને તેમાં મોટાભાગની વિગતો ભુતકાળમાં વાયરલ થયેલ નકલી ફાયર એનઓસી જેવી જ સરખી છે જેથી હવે સવાલ એ થઇ રહ્યો છે કે વડોદરા શહેરમાં આવી કેટલી નકલી ફાયર એનઓસી શહેરની હોસ્પિટલો, કોમ્પલેક્સીસ, મોલ્સ, હોટેલો, રેસ્ટોરન્ટો અને ટ્યુશન ક્લાસીસની દિવાલો પર લટકતી હશે. મ્યુનિ.કમિશનર, ફાયરનો હવાલો સંભાળનાર ડે.કમિશનર અને ચીફ ફાયર ઓફિસર આ મામલાની ગંભીરતા સમજતા નથી તેમ લાગી રહ્યું છે. આ મામલે કોર્પોરેશન અને ફાયર બ્રિગેડના અધિકારીઓની લાપરવાહી સ્પષ્ટપણે જોવા મળી રહી છે કારણ કે જો પહેલાં જ આ મામલાની ઉંડી તપાસ થઇ હોત તો કદાચ શહેરમાં આવી કેટલી નકલી ફાયર એનઓસી અપાઇ છે અને કોણે બનાવી છે તેના મુળ સુધી પહોંચી શકાયું હોત. શહેરની તમામ હોટલ, મોલ્સ, બિલ્ડરો તથા કોમ્પલેક્ષીસ અને માલેતુજારોના બંગલાની દિવાલો પર આવી નકલી ફાયર ઓનઓસી લટકે છે તે મામલાને ફાયર વિભાગ દબાવી રહ્યું છે. અગાઉ પકડાયેલી નકલી ફાયર એનઓસી બાબતે તો ફાયર વિભાગે કે પોલીસે તપાસ જ કરી નથી ત્યારે ફરીથી જે હરણી મહાલક્ષ્મી કોમ્પલેક્ષની વાયરલ થઇ છે તે નકલી એનઓસીની તપાસ થશે કે કેમ તે પ્રશ્ન છે. વધુ એક નકલી ફાયર એનઓસી વાયરલ થઇ છે તેમાં પણ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસ નિકુંજ આઝાદની સહી છે પણ તેમને આ વિશે પુછતાં તેમણે આ પોતાની સહી નથી તેવો દાવો કર્યો છે ત્યારે પ્રશ્ન એ છે કે 2024માં તત્કાલિન મ્યુનિ કમિશનર દિલીપ રાણાના કાર્યકાળમાં આ ક્યા ભેજાબાજે આ રીતે નકલી ફાયર એનઓસી બનાવીને વેપલો કરેલો છે. જો કે આ મામલે ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ તો કહી રહ્યા છે કે આ અંગે રાવપુરા પોલીસમાં ફરિયાદ કરાઇ છે અને મહાલક્ષ્મી કોમ્પલેક્ષના બિલ્ડરને નોટિસ આપીને બોલાવ્યો છે. હવે બિલ્ડર આવીને શું ખુલાસો કરે છે તેના પર સહુની મીટ મંડાઇ છે.
બોગસ જન્મના દાખલા જેવું મોટુ કૌભાંડ હોવાની આશંકા...
શહેરમાં જે રીતે આધાર કાર્ડ કઢાવવા જતી વ્યક્તિઓ પાસેથી બોગસ જન્મનો દાખલો મળવાની ઘટનાઓ બની રહી છે. તેમ હવે નકલી ફાયર એનઓસી પણ મળી રહી હોય તેમ લાગી રહ્યું છે. કોઇ ભેજાબાજ પોતાના દિમાગનો ઉપયોગ કરીને નકલી ફાયર એનઓસી બનાવીને વેપલો કરતો હોવાનું લાગી રહ્યું છે. બે મહિનામાં લગભગ 7 જેટલા બોગસ જન્મના દાખલા મળ્યા છે. ત્રણ મહિનામાં બે વખત નકલી ફાયર એનઓસી મળી છે ત્યારે સરકારી દસ્તાવેજો સાથે કોણ ચેડાં કરી રહ્યું છે અને તેમાં કોણ સંડોવાયેલુ છે તેની પોતાની રીતે પણ ફાયર બ્રિગેડ દ્વારા તપાસ થવી જરુરી છે.

મહાલક્ષ્મી કોમ્પલેક્ષના બિલ્ડરને નોટિસ આપી છે...
હરણીના મહાલક્ષ્મી કોમ્પલેક્ષમાંથી નકલી ફાયર એનઓસી મળી છે. જેથી આ મામલે રાવપુરા પોલીસને ફરિયાદ કરાઇ છે. મહાલક્ષ્મી કોમ્પલેક્ષના બિલ્ડરને પણ નોટિસ આપવામાં આવી છે.
મનોજ પાટીલ, ચીફ ફાયર ઓફિસર
ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરવી જરુરી...
બોગસ જન્મના દાખલા માટે જે રીતે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે. તે રીતે હવે નકલી ફાયર એનઓસીના મામલાની પણ તપાસ કરાય તે જરુરી છે કારણ કે રાવપુરા પોલીસ તપાસ કરવાના બદલે હદની માથાકૂટમાં પડી જાય છે. અગાઉના કેસમાં રાવપુરા પોલીસે બાપોદ પોલીસની હદમાં ગુનો બન્યો હોવાથી તપાસ બાપોદ પોલીસને સુપ્રત કરીને પોતાના હાથ ખંખેરી લીધા હતા અને હવે જ્યારે બીજી ફરિયાદ થઇ છે એટલે શંકા છે કે રાવપુરા પોલીસ હદનું બહાનું કાઢીને હરણી પોલીસને તપાસ સોંપીને પોતાના માથેથી તપાસનું પોટલું બીજાને પધરાવી દેશે એટલે પોલીસ કમિશનરે મામલાની ગંભીરતા જોઇને ક્રાઇમ બ્રાન્ચ જેવી એજન્સીઓને તપાસ સોંપવી જોઇએ અને તો જ આ કૌભાંડ કેટલું મોટુ છે તેનો અંદાજ આવી શકશે.
વેન્ડર જયેશ મકવાણાની શંકાસ્પદ ભૂમિકા...
આજવા રોડ અર્ષ કોમ્પલેક્ષની મળેલી નકલી ફાયર એનઓસી ફાયર સેફ્ટીના વેન્ડર જયેશ મકવાણાએ આપી હોવાનું જાણવા મળ્યું હતું અને આ મહાલક્ષ્મી કોમ્પલેક્સની નકલી ફાયર એનઓસીમાં પણ તેની ભૂમિકા છે કે કેમ તેની ચકાસણી થવી જરુરી છે,. ફરી એક વાર જયેશ મકવાણાની પૂછપરછ કરાય તો ચોંકાવનારી માહિતી બહાર આવી શકે છે. જયેશ મકવાણાએ જો અર્ષ કોમ્પલેક્ષની નકલી ફાયર એનઓસી બનાવી હતી તો તેની સામે પોલીસે ગુનો કેમ ના નોંધ્યો તે મોટો સવાલ છે અને જો જયેશ મકવાણાએ આ નકલી એનઓસી બનાવી નહતી તો તેને કોણે આપી હતી તે દિશામાં પોલીસે તપાસ કરવી જરુરી હતી પણ પોલીસે તે મામલે તપાસ કરી જ નથી કે પછી ફાયર બ્રિગેડે પણ તપાસ કરી ન હતી.
Reporter: admin







