વડોદરા: મંદબુદ્ધિની યુવતી સાથે શારીરિક અડપલા કરનાર સિક્યુરિટી જવાનની હરકતો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. અટલાદરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી સિક્યુરિટી જવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષની યુવતી મંદ બુદ્ધિના બાળકોની સ્કૂલમાં અભ્યાસ કરે છે.તેનો સ્કૂલનો સમય સવારના દશ વાગ્યાથી બપોરનો ત્રણ વાગ્યા સુધીનો છે. તેની દીકરી સવારના સાડા નવ વાગ્યે વાન આવી જાય છે. ગઇકાલે તેની માતાએ યુવતીને તૈયાર કરી દીધી હતી. પરંતુ, થોડું મોડું થઇ જતા તેમણે દીકરીને કહ્યું કે, તું લિફ્ટમાં નીચે જઇને સિક્યુરિટી કેબિન પાસે બેસજે.હું આવું છું. જેથી, યુવતી નીચે જઇને બેઠી હતી. પુત્રીનો સ્કાફ શોધવામાં માતાને થોડું મોડું થઇ ગયું હતું.
તે દરમિયાન સિક્યુરિટી કેબિન પાસે બેઠેલી યુવતી સાથે સિક્યરિટી જવાન લક્ષ્મણભાઇએ શારીરિક અડપલા કર્યા હતા. તે અડપલા ફ્લેટમાં રહેતી અન્ય એક મહિલા જોઇ ગઇ હતી. તેણે યુવતીની માતાને જાણ કરી હતી. જેથી, યુવતીની માતા દોડી ગઇ હતી. તેમણે પુત્રીને પૂછતા તેણે જણાવ્યું કે, હું વાનની રાહ જોઇને સિક્યુરિટી કેબિન નજીક ખુરશીમાં બેઠી હતી. તે દરમિયાન સિક્યુરિટીવાળા કાકાએ મારા શરીર પર હાથ ફેરવ્યો હતો. જે અંગે યુવતીની માતાએ અટલાદરા પોલીસ સ્ટેશને જઇને રજૂઆત કરતા પી.આઇ. એમ.કે. ગુર્જરે સ્થળ પર જઇને ત્યાં ફિટ કરેલા સીસીટીવીના ફૂટેજ ચેક કરતા સિક્યુરિટીવાળાએ શારીરીક અડપલા કર્યા હોવાનું સ્પષ્ટ જણાઇ આવ્યું હતું. જે અંગે અટલાદરા પોલીસે ગુનો દાખલ કરી સિક્યુરિટી જવાનની ધરપકડ કરી છે.
Reporter: admin