અમદાવાદ : સમગ્ર રાજયમાં દરિયાઈ વિસ્તારોમાં વ્હેલ શાર્ક માછલી દિવસ કારતક માસની અમાસના રોજ ઉજવવામાં આવે છે.
આ વર્ષે 19મો મહોત્સવ જૂનાગઢ જિલ્લામાં માંગરોળ ખાતે સોમનાથ કોમ્યુનિટી હોલ ખાતે 20મી નવેમ્બરે ઉજવવામાં આવશે. જેમાં જૂનાગઢના મુખ્ય વનસંરક્ષક વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના પ્રતિનિધિ, સાગરખેડૂ આગેવાનો અને શાળાના બાળકો ઉપસ્થિત રહેશે.સૌરાષ્ટ્રના માછીમારોએ વ્હેલ શાર્ક માછલીને જાળમાંથી મૂકત કરવાનું અભિયાન હાથ ધરતાં અત્યાર સુધીમાં 1000 જેટલી મહાકાય શાર્ક વ્હેલ માછલીને જાળમાંથી મૂકત કરી આ પ્રજાતિને અભયદાન આપ્યું છે. અગાઉ રામાયણી પૂ.મોરારિબાપુએ એક સંદેશો પ્રસરાવ્યો હતો કે વ્હેલ શાર્ક માછલી આપણી દીકરી બનીને આપણા દરિયામાં માવતરે આણુ આવે છે, એનો અને એના બચ્ચાનો શિકાર ન કરાય. એ પછી મોટી જાગૃતિ આવી છે.
સાગરખેડૂઓએ એ પછી આજ સુધી એક પણ વ્હેલ શાર્ક માછલીનો શિકાર કર્યો નથી. માછીમાર સમાજ પૂજય પાંડુરંગ શાસ્ત્રીજીના વચનો ઉપર પણ માનથી આગળ વધે છે. સાલ 2006થી વનવિભાગ વ્હેલ શાર્ક માછલીના રેસ્ક્યુ માટે જે જાળને કાપવી પડે છે અને આર્થિક નુકસાન માછીમારને થાય છે એના બદલામાં વળતરરૂપે કુલ નુકસાન અથવા મહત્તમ રૂ.50,000 ચૂકવી રહ્યો છે. 2007માં તત્કાલીન વનમંત્રી મંગુભાઈ પટેલે વ્હેલ શાર્ક દિવસની ઉજવણી કરવા આહવાન કર્યુ એ મુજબ સાગરવિસ્તારમાં વસતા સાગરખેડૂઓ આ દિવસને યાદ કરે છે.
Reporter: admin







