News Portal...

Breaking News :

નબળી અને ભ્રષ્ટ નેતાગીરીએ વડોદરાની ઘોર ખોદી

2025-12-17 09:35:03
નબળી અને ભ્રષ્ટ નેતાગીરીએ વડોદરાની ઘોર ખોદી


વડોદરાની નેતાગીરીને નાયબ મુખ્યમંત્રીના દરબારમાં હાજર થવું પડ્યું..
દર બીજે દિવસે એક મોટા કૌભાંડનો પર્દાફાશ થાય છે.જવાબદાર કોણ?.
સામી ચૂંટણીએ સહિયારા ભ્રષ્ટાચાર રોકવા અને વિકાસમાં ગતિ લાવવા માટે, સહિયારી બેઠક
વડોદરાનાં પ્રભારી મંત્રી પાસે પહેલેથી જ તમામ નેતાઓ- પદાધિકારીઓ અધિકારીઓની કર્મ- કુંડળી છે જ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પાઠશાળામાં વડોદરાનાં મેયર, ચેરમેન, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા, ચેરમેન,દંડક,ધારાસભ્યો,મ્યુ.કમિશનર વિ.હાજરી પુરાવી.



રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી દ્વારા આજે વડોદરા શહેરના પદાધિકારીઓ, કોર્પોરેશનના પદાધિકારીઓ તથા મ્યુનિસિપલ કમિશનરને તેડું મોકલાતા વડોદરાના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ બોલાવેલી આ બેઠક ઘણું બધું કહી જાય છે.વડોદરા કોર્પોરેશનના શાસક પદાધિકારીઓ, ચૂંટાયેલા નેતાઓ અને ધારાસભ્યોને આજે હર્ષ સંઘવીના દરબારમાં હાજર થવું પડ્યું હતું. ત્યાં નાયબ મુખ્યમંત્રીએ વડોદરાના વિકાસને અવરોધતા તત્વો સામે લાલ આંખ કરી હોવાનું જાણવા મળે છે.ખાસ કરીને આ બેઠકમાં ભાજપના પદાધિકારીઓ અને ધારાસભ્યોની હાજરી સ્વાભાવિક હતી, પરંતુ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને પણ બોલાવવામાં આવ્યા હોવું ઘણું બધું સૂચવી જાય છે. વડોદરા કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારમાં ગળાડૂબ રહેલા કેટલાક પદાધિકારીઓના કારણે કમિશનરને કામ કરવું અઘરું પડી રહ્યું છે, તેવા સંજોગોમાં આ બેઠક ઘણી મહત્વની માનવામાં આવી રહી છે.કોન્ટ્રાક્ટરો સાથે ભાગબટાઇના ધંધા કરતા પદાધિકારીઓનાં કરતૂતો હવે ગાંધીનગરમાં ખુલ્લા પડી ગયા છે. ગાંધીનગર, વડોદરાની નેતાગીરીથી સખત નારાજ હોવાનું જાણવા મળે છે. પદાધિકારીઓના સહિયારા ભ્રષ્ટાચારની ગંધ ગાંધીનગર સુધી પહોંચી ગઈ છે. આવી ભ્રષ્ટ નેતાગીરીથી વડોદરાની જનતા પણ નારાજ છે, જે વાત ગાંધીનગર સુધી પહોંચી હોવાના કારણે જ નાયબ મુખ્યમંત્રીએ બેઠકમાં લાલ આંખ કરી હોવાનું ભાજપના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.વડોદરાના શાસકોએ એવા કાર્યો કર્યા છે કે જનતા હવે તેમને પગથી માથા સુધી ઓળખી ગઈ છે. ભ્રષ્ટાચાર સિવાય કંઈ સૂઝતું નથી અને કમિશનરને યોગ્ય રીતે કામ પણ કરવા દેતા નથી, જેના કારણે હવે IAS અધિકારીઓ પણ વડોદરામાં ફરજ બજાવવાનું ટાળવા લાગ્યા છે.ગાંધીનગરનાં સ્વર્ણિમ સંકુલ ખાતે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી અને મહાનગરપાલિકાના હોદ્દેદારો સાથે બેઠક યોજી મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા-સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં શહેર પ્રમુખ જયપ્રકાશ સોની, દંડક ધારાસભ્ય કેયુર રોકડીયા, ચૈતન્ય દેસાઈ, યોગેશ પટેલ, દંડક બાલુ શુક્લા, મંત્રી મનિષા વકીલ, મેયર પિન્કી સોની, ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી, શાસક પક્ષના નેતા મનોજ પટેલ, દંડક શૈલેષ પટેલ સહિત વડોદરાની નેતાગીરી હાજર હતી. બેઠક દરમિયાન તમામ નેતાઓ મૌન ધારણ કરી-અદબ વાળી નાયબ મુખ્યમંત્રીની વાત સાંભળી હતી.




વડોદરાનો વિકાસ ભ્રષ્ટ નેતાગીરીનાં કારણે અટકેલો છે
વડોદરાનો વિકાસ તેની પાંગળી નેતાગીરીના કારણે અટકેલો છે. અંદરો-અંદરની જૂથબંધી અને ટાંટિયા ખેંચના કારણે અધિકારીઓને કામ કરવું મુશ્કેલ બની રહ્યું છે. માનીતાઓને જ કોન્ટ્રાક્ટ મળે તેવો આગ્રહ રાખવો અને કોન્ટ્રાક્ટરો સાથે ભાગબટાઈ રાખવા જેવા અનેક દુર્ગુણોના કારણે વડોદરાનો યોગ્ય વિકાસ થઈ શક્યો નથી. તેની સરખામણીએ સુરત અને રાજકોટ જેવા શહેરો આજે વડોદરાથી આગળ નીકળી ગયા છે. ગાંધીનગરને આ હકીકતની જાણ છે અને તેથી અવારનવાર આ રીતે નેતાગીરીને બોલાવીને ખખડાવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વડોદરાની નેતાગીરીથી નારાજ છે તે વાત જગ જાહેર છે.

અધિકારીઓને કામ કરવા દેતા નથી
વડોદરાની નેતાગીરીની વારંવારની આડોડાઈના કારણે કમિશનર સહિતના અધિકારીઓ યોગ્ય રીતે કામ કરી શકતા નથી. વડોદરામાં ફરજ બજાવી ગયેલા અધિકારીઓ જ્યારે સુરત અને અમદાવાદમાં ફરજ બજાવે છે ત્યારે તેઓ ત્યાં ઉત્તમ કામગીરી કરી બતાવે છે, જેના દાખલા હાલ પણ મોજૂદ છે. તો પછી વડોદરામાં તેઓ કેમ કામ કરી શકતા નથી તે પ્રશ્ન ભાજપના નેતાઓને પૂછવો જોઈએ. વડોદરામાં ડેપ્યુટેશન ઉપર આવેલા અધિકારીઓને એવી કંઈ તકલીફ પડે છે કે તેઓ પોતાનું શ્રેષ્ઠ શહેરને આપી શકતા નથી. નેતાઓએ માત્ર પોતાનો અને પોતાના માનીતાઓનો વિકાસ કર્યો છે, પરંતુ છેલ્લા 30 વર્ષથી સત્તા પરિવર્તન બાદ પણ વડોદરાનો વિકાસ થયો જ નથી.

Reporter: admin

Related Post