આંતરિક અસંતોષનો આગવો રંગ...
પાણીની મુશ્કેલી આમ તો શહેરના લગભગ તમામ વિસ્તારોમાં પ્રવર્તે છે.અને ઉનાળામાં પાણીની અછત છાપરે ચઢે એ સ્વાભાવિક છે.એટલે આખા શહેરની સાથે પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા તો છે જ.કદાચ થોડી વધુ જ છે.પરંતુ પૂર્વ વિસ્તારમાં પાણીની તંગીની એક આગવી મોસમ છે અને આ મોસમ શિયાળા,ઉનાળા કે ચોમાસામાં નથી આવતી.
પૂર્વ વિસ્તારમાં પાણીના પ્રોબ્લેમ ની આ મોસમ ચુંટણીઓ આવે ત્યારે બેસે છે.પછી એ ચુંટણી લોકસભા,વિધાનસભા કે મનપા,કોઈપણ હોય. અથવા તો એમ કહો કે ચુંટણી આવે એટલે પૂર્વ વિસ્તારમાં પાણીના નામે લોકલાગણી ઉશ્કેરવાની તરકીબ અજમાવવામાં આવે છે.તમે કહેશો કે વિપક્ષની આ ચાલબાજી હશે.ના ભાઈ ના..આ તો ઘર ફૂટયે ઘર જાયનો ખેલ છે. આપણાં પોતાના જ આપણા ને પીડા આપે એવો કારસો રચાય છે.અને હોય તેના થી ઘણી મોટી પાણીની મુશ્કેલી ઊભી થાય છે,અથવા ઊભી થઈ છે એવો સફળ દેખાવ કરી બતાવવામાં આવે છે.પાણીની મુશ્કેલી ૨૦ થી ૨૫ વર્ષ જૂની છે.આ સમયગાળામાં નવી ટાંકીઓ બની છે,નવી લાઈનો નંખાઈ છે.તેની સામે વસતી વધી છે અને વિસ્તારો વ્યાપક થયાં છે.પાલિકાના અધિકારીઓ સમસ્યા ઉકેલવા બનતા પ્રયત્નો કરે છે.આજવા ની લાઈનમાં કોઈને કોઈ તકલીફ ખાસ કરીને ઉનાળામાં ઉભી થાય છે.તેનું સત્વરે સમારકામ કરવામાં આવે છે. મુખ્ય મુશ્કેલી મોટેભાગે પ્રેશર પૂરતું ન આવવાની છે. એ સુધારવા પ્રયત્નો કરવામાં આવે છે.
પરંતુ પાણીની તરસ કેટલાક સ્થાપિત હિતો ચુંટણી ટાણે ઇરાદા પૂર્વક વધારે છે.
અને આ લોકો સત્તા પક્ષના જ છે.હોદ્દાઓ ન મળવાનો રોષ પાણીનું બહાનું બનાવી પ્રગટે છે.ધારાસભ્ય,મેયર, સ્થાયી અધ્યક્ષ કે પાલિકા પદાધિકારી ન બન્યાનો વસવસો દૂર કરવા આ તત્વો લોકોને હાથો બનાવે છે.પરિણામે મોરચા નીકળે છે,છાજિયાં લેવાય છે અને માટલા ફોડની રમતો રમાય છે. ઉલ્લેખનીય છે કે એક રાજકીય નેતા અને તેની ટોળકી દ્વારા રાજકીય હિસાબો કરવા માટે નાગરિકોને હાથો બનાવવામાં આવે છે. બેનરો લગાવીને વિરોધ કરવામાં આવે છે. કહેવાય છે કે અસંતોષ કાઉન્સિલરો આમાં હાથ હોય છે તેવી રાજકીય મોરચે ચર્ચા છે. પાણીની સમસ્યાને રૌદ્ર સ્વરૂપ આપી રહ્યા છે. તેને રાય નો પહાડ બનાવવામાં આવે છે. શાસક પક્ષની પાર્ટીએ તેની ગંભી નોંધ લઈને કડક પગલાં ભરવા જોઈએ...
પૂર્વ વિસ્તારમાં પાણીની તંગી થી વધુ પાણીના મેનેજમેન્ટ ની સમસ્યા છે.ઉપરોક્ત તત્વોની છત્રછાયા હેઠળ લોકો મોટરો મૂકીને પાણી ખેંચે છે અને બેફામ વાપરે છે.આખું મકાન નવું બને પરંતુ પાણીની ટેન્કર મંગાવવી ના પડે એ કેવી રીતે બને? પણ રહેમ નજર છે એટલે લાઈનમાં છેલ્લા હોય એ લોકો સુધી પાણી પહોંચતું નથી.
મનપાના અધિકારીઓ લાચાર છે.ઉપરોક્ત તત્વોની લાલ આંખને લીધે મોટરો લગાવી પાણી ખેંચનાર સામે પગલાં લઈ શકતા નથી.એટલે જેમણે પાણી નથી મળતું એમની ગાળો ખાવા અને મોરચાઓ નો સામનો કરવાનો વારો અધિકારીઓ ને આવે છે.
એટલે પૂર્વ વિસ્તારમાં સત્તા પક્ષના જૂથો આંતરિક ખેંચતાણ ભૂલી પ્રશ્નના ઉકેલ માટે એક થાય,મનપા અધિકારીઓ ને લાઇન ચકાસણી કરવા દે,બેફામ પાણી ખેંચનારાઓ સામે આકરા પગલાં ભરવામાં આવે અને વધેલી અને વ્યાપક બનેલી વસ્તીને પાણી પૂરું પાડવાના વિકલ્પો નો અમલ થાય તો મુશ્કેલી જ ના રહે.
અને સૌ થી ઉત્તમ ઝડપથી પાણીના મીટર બેસાડી પાણી આપવામાં આવે,વધારા નો વપરાશ ચાર્જેબલ બને તો કરકસરથી જળ સમસ્યા ઉકલે...
Reporter: News Plus