વડોદરાઃ વડોદરા પાસેની રણોલી ગ્રામ પંચાયત દ્વારા વેરાની વસૂલાત માટે ઉનાળાના પ્રારંભે જ પાણી કાપ મૂકવાના નિર્ણયથી ગ્રામજનોમાં વિરોધ થયો છે. જેથી હાલપુરતો આ નિર્ણય અટકાવી દેવામાં આવ્યો છે.
માર્ચ મહિનામાં નાણાંકિય વર્ષ પુરું થતું હોવાથી વેરાની વસૂલાત વધુ કડક કરવામાં આવતી હોય છે.પંચાયતો પાસે આવી વસૂલાત માટે તાલુકા પંચાયત દ્વારા પણ દબાણ કરવામાં આવતું હોય છે. પરિણામે,વડોદરા તાલુકાની રણોલી પંચાયતે વેરાની વસૂલાત માટે જુદાજુદા વિસ્તારોમાં પાણી કાપ મૂકવાનો નિર્ણય લીધો હતો.પંચાયતે ઠરાવ કર્યા બાદ તલાટીએ પાણી કામ માટેની નોટિસ પણ જાહેર કરી હતી.જેને પગલે જે લોકો વેરો ભરતા હોય તેઓ પણ ચોંકી ઉઠયા છે.તલાટીએ જાહેર કરેલી નોટિસમાં ભાથુજી ફળિયામાં એક દિવસ છોડીને એક દિવસે માત્ર સવારે જ પાણી આપવાની સૂચના આપવામાં આવી છે.
જ્યારે,રાજીવ નગર ૧-૨ તેમજ ઇન્દિરા નગરમાં સાંજનું પાણી બંધ કરી માત્ર એક જ વખત સવારે પાણી આપવાની સૂચના અપાઇ છે.રણોલી પંચાયતના તલાટી મહેન્દ્રભાઇ ડાભીએ કહ્યું હતું કે,વારંવાર નોટિસ આપવા છતાં અમારી પંચાયતમાં છેલ્લા ૧૫ વર્ષથી અનેક વિસ્તારોમાં વેરા ભરાતા નથી.જે રકમ હવે રૃ.૨ કરોડ જેટલી થઇ ગઇ છે.ગ્રામ પંચાયતે જ વસૂલાત માટે પાણી કાપ મૂકવાનો નિર્ણય લીધો હતો.પરંતુ હાલ પુરતું અમે તેનો અમલ કરવાના નથી.સમજાવીને વસૂલાત કરીશું.રણોલીના કેટલાક ગ્રામજનોનો સંપર્ક કરતાં તેમણે નામ નહિ આપવાની શરતે કહ્યું હતું કે,વેરો વસૂલવામાં આવે તેની સામે કોઇને વાંધો ન હોય.પરંતુ ફળિયાઓમાં બધા લોકો વેરો નથી ભરતા તેમ નથી.જે લોકો વેરો ભરે છે તેમને પાણી કાપની સજા કેમ વેઠવી જોઇએ.પંચાયતના આ નિર્ણયનો અમે વિરોધ કરીએ છીએ.
Reporter: admin