News Portal...

Breaking News :

ડભોઇ APMCમાં ભાજપની અંદર જ જંગ: કોંગ્રેસયુક્ત પેનલ સામે મૂળ વિદ્રોહીઓ મેદાને

2025-11-04 11:10:39
ડભોઇ APMCમાં ભાજપની અંદર જ જંગ: કોંગ્રેસયુક્ત પેનલ સામે મૂળ વિદ્રોહીઓ મેદાને


ધારાસભ્યની ચીમકી પછી પણ વિદ્રોહીઓ ટસનું મસ નહીં — હવે ખેડૂત વિભાગમાં સીધી ટક્કર....
કોંગ્રેસના દિલીપ નાગજી ભાજપમાં જોડાતા ભાજપની અડધી પેનલ કોંગ્રેસયુક્ત બની, ચૂંટણી ગરમાઈ...
કોંગ્રેસ યુક્ત ભાજપ પેનલ Vs મૂળ ભાજપના વિદ્રોહીઓની પેનલ




ડભોઇ APMCના ખેડૂત વિભાગને બિનહરીફ કરાવવાની યોજના પડી ભાંગી, હવે ચૂંટણી થશે
વડોદરા જિલ્લાના ડભોઇ એપીએમસીમાં યોજાનારી ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રભુત્વ તોડવા માટે કોંગ્રેસના જુના અગ્રણીઓને ભાજપમાં સમાવી લઈને તેઓને મેન્ડેટ આપવામાં આવ્યું હતું. જોકે સામે ધારાસભ્ય દ્વારા સસ્પેન્ડ કરાવાયેલા કિસાન સંઘના હોદ્દેદારો દ્વારા પેનલ તૈયાર કરીને ઉમેદવારી નોંધાવતા ભાજપ વિરુદ્ધ ભાજપ નું ચિત્ર તૈયાર થયું છે.ગઈકાલે યોજાયેલા ડભોઇના સ્નેહમિલન સંમેલનમાં ધારાસભ્ય શૈલેશ મહેતા (સોટ્ટા ) એ ભાજપની પેનલ વિરુદ્ધ ઉમેદવારી કરનારાઓને મદદ કરનારા તત્વોને ગર્ભિત ચિંતકી આપી હતી. જોકે મહત્વની વાત એ છે કે, એક સપ્તાહ પહેલા ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના આગેવાનોનું ઉપરાણું લઈને ધારાસભ્ય મૂળ ભાજપના આગેવાનો સામે ચીમકી ઉચ્ચારી છે.


કોંગ્રેસના અગ્રણી અને ધારાસભ્યના મિત્ર દિલીપભાઈ નાગજીભાઈ પટેલની અધ્યક્ષતામાં ચૂંટણી લડતા કોંગ્રેસના આગેવાનોને ભાજપમાં સમાવી લઈને તેઓને પક્ષ તરફથી મેન્ડેટ આપવામાં આવ્યું હતું.જ્યારે તેનાથી નારાજ થઈને શૈલેષ મહેતા (સોટ્ટા) એ જેઓને ભાજપ પક્ષ માંથી બરતરફ કરાવ્યા હતા તે વિરુદ્ધના જૂથે ઉમેદવારી નોંધાવી હતી. ગઈકાલની ગર્ભિત ચીમકી અને આજના સમજાવટ બાદ પણ ધારાસભ્ય વિરોધનું જૂથ ટસનું મસ નહીં થતાં આજે ચૂંટણીની અંતિમયાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ યાદીમાં કુકર ચિન્હ ભારતીય જનતા પાર્ટીની પેનલને મળ્યું હતું જ્યારે નગારાનું ચિન્હ વિરોધી પેનલને આપવામાં આવ્યું હતું. આગામી 10 નવેમ્બરે ડભોઇ એપીએમસીની ખેડૂત વિભાગની ચૂંટણી યોજવામાં આવશે. જ્યારે 11 તારીખે મત ગણતરી યોજાશે. મત ગણતરીના દિવસે કોંગ્રેસે યુક્ત ભાજપ પેનલ અને કોંગ્રેસમુક્ત ભાજપ પેનલના પરિણામો સામે આવશે.

Reporter: admin

Related Post