અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ અને ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે હવેથી વક્ફ પણ અન્ય ધાર્મિક ટ્રસ્ટોની સમકક્ષ જ ગણવામાં આવશે. કોર્ટે આદેશ આપ્યો છે કે સંપત્તિને લગતા કોઈપણ વિવાદમાં વક્ફ બોર્ડે પણ હિન્દુ ટ્રસ્ટોની જેમ જ નિયત કોર્ટ ફી ભરવી પડશે.
હાઈકોર્ટે નોંધ્યું હતું કે કાયદાની દ્રષ્ટિએ કોઈ પણ વાદી કાયદેસરની પ્રક્રિયાથી ઉપર નથી. તેથી, અન્ય ધાર્મિક સંસ્થાઓને લાગુ પડતા નિયમો વક્ફને પણ લાગુ પડશે. અત્યાર સુધી જૂના વક્ફ કાયદામાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ ન હોવાને કારણે કોર્ટ કેસમાં ફી ભરવામાંથી જે મુક્તિ મળતી હતી, તે હવે મળવાપાત્ર રહેશે નહીં. હાઈકોર્ટનો આ આદેશ નાની દરગાહથી લઈને મોટી મસ્જિદોના સંચાલકો સુધી તમામને સમાન રીતે લાગુ પડશે.વક્ફ સંપત્તિઓના સંચાલન અને તેને લગતા કાનૂની વિવાદોમાં આ ચુકાદો અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. આ નિર્ણય દ્વારા કોર્ટે તમામ ધાર્મિક ટ્રસ્ટો વચ્ચે કાનૂની પ્રક્રિયામાં સમાનતા સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે.વક્ફ એ અરબી ભાષામાંથી 'વકુફા' શબ્દ પરથી આવ્યો છે.
વકુફાનો અર્થ થાય છે રોકવું. તેના પરથી બન્યો 'વક્ફ' એટલે કે 'સાચવવું'. જો આપણે તેને કાયદાકીય દૃષ્ટિએ જોઈએ તો, વક્ફ એટલે 'ઇસ્લામમાં, જ્યારે કોઈ વ્યક્તિ ધાર્મિક કારણોસર પોતાની મિલકત દાન કરે છે, તો તેને વક્ફ એટલે કે સંપત્તિનું એન્ડોમેન્ટ કહેવામાં આવે છે.' પછી તે થોડા રૂપિયા હોય, મિલકત હોય, કિંમતી ધાતુ હોય કે ઘર, મકાન કે જમીન. આ દાનમાં આપેલી મિલકતને ‘અલ્લાહની મિલકત’ કહેવાય છે અને જે વ્યક્તિ પોતાની મિલકત વક્ફને આપે છે તેને ‘વકીફા’ કહેવાય છે. વકીફા અથવા વક્ફ દ્વારા દાનમાં આપવામાં આવેલી આ મિલકતો વેચી શકાતી નથી અને તેનો ધર્મ સિવાયના અન્ય હેતુ માટે ઉપયોગ કરી શકાતો નથી.
Reporter: admin







