રાજ્યમાં સતત ૨૧ વર્ષથી ચાલતા શિક્ષણના મહાયજ્ઞ એવા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના સકારાત્મક પરિણામો મળી જોવા મળી રહ્યા છે.
આ અદકેરા ઉત્સવ થકી એક તરફ બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો નાખવામાં આવી રહ્યો છે તો બીજી તરફ શાળામાં સો ટકા નામાંકન થવા સાથે ડ્રોપ આઉટ રેશિયો ઝીરો થવા જઈ રહ્યો છે. અને એટલું જ નહીં કન્યા શિક્ષણનું પ્રમાણ પણ નોંધપાત્ર રીતે વધ્યું છે. શિક્ષક કભી સાધારણ નહીં હોતા’- ચાણક્યના આ કથનને સાધલી ગામના એક શિક્ષકે પોતાની શિક્ષણ સાધના સાથે સાચા અર્થમાં સાકાર કર્યું છે. આ વાત છે, જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા, કર્મઠ અને નિષ્ઠાવાન એવા સાધલી પ્રાથમિક શાળાના આચાર્ય અશોક પ્રજાપતિની, જેમણે શાળાના શિક્ષકોના સહયોગથી સાધલી ગામની પ્રાથમિક શાળાની કાયાપલટ કરી છે. સપ્ટેમ્બર-૨૦૧૨ માં સાધલી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે સેવામાં જોડાયેલા અશોક પ્રજાપતિની સાથે ૧૨ શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. તેઓ જ્યારે આ શાળામાં પ્રથમ વખત આવ્યા હતા, ત્યારે શાળાના તમામ ઓરડાઓ જર્જરીત હાલતમાં હતા. ચોમાસામાં તમામ ઓરડામાં પાણી ટપકતું હોવાથી બાળકોની પાંખી હાજરી રહેતી હતી.શાળાની ભૌતિક પરિસ્થિતિ પણ ખૂબ જ પડકારજનક હતી. જેથી શ્રી પ્રજાપતિએ ગ્રામજનો અને શાળા વ્યવસ્થાપન સમિતિના સહયોગથી યોગ્ય આયોજન સાથે શાળાના નવા મકાન માટે સરકારમાં દરખાસ્ત કરી અને સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ નવું મકાન મંજૂર કરવામાં આવ્યું.
જેનું ખૂબ જ ટૂંકા ગાળામાં નિર્માણ થતા શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. શાળાનું નવું મકાન બનતાં જ એક તરફ શિક્ષકોમાં કામ કરવાનો ઉત્સાહ જાગ્યો, તો બીજી તરફ ભૌતિક સુવિધાઓના કારણે વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે રસ વધ્યો. જેનું પરિણામ એ આવ્યું કે, શાળામાં બાળકોની સંખ્યા ૩૦૦ થી વધીને ૪૦૦ થી વધારે થઈ ગઈ છે. એટલુ જ નહી પરંતુ વાલીઓએ ખાનગી શાળામાંથી બાળકોને આ સરકારી શાળામાં દાખલ કરતા, ડ્રોપઆઉટ રેટ જે પાંચ ટકા હતો તે ઘટીને શૂન્ય થઈ ગયો.વર્ષ ૨૦૨૩-૨૪માં કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ના ભાગરૂપે પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઈઝીગ ઇન્ડિયામાં (PM Shri) યોજના હેઠળ શાળાની પસંદગી કરવામાં આવી છે. સ્કૂલ ઓફ એક્સલેન્સમાં પણ શાળાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુણોત્સવ ૨.૦ માં વર્ષ ૨૦૨૨-૨૩માં શાળાએ યલો ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.સાધલી પ્રાથમિક શાળામાં શરૂઆતમાં બાળકોને પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ આપવાનું શરૂ કર્યું. ત્યારબાદ સર્વ શિક્ષા અભિયાન પ્રોજેક્ટ અંતર્ગત શાળાને પાંચ સ્માર્ટ ક્લાસ રૂમ મળ્યા, જ્યાં ધો. ૬ થી ૮ ના બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. કોમ્પ્યુટર લેબ,સાયન્સ લેબ સહિત સીસીસીટીવી કેમેરાથી શાળા સંપૂર્ણ સજ્જ છે. સાધલી ગામમાં અન્ય બે ખાનગી શાળાઓ અને એક નોન ગ્રાન્ટેડ શાળા હોવા છતાં શાળામાં હાલમાં ૧૮૯ દીકરીઓ અને આસપાસના ત્રણ ગામોના ૯૦ સહિત કુલ ૪૦૭ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. સોશિયલ મીડિયાના ઉપયોગ થકી વાલીઓને જરૂરી તમામ માહિતી પૂરી પાડવામાં આવે છે. મહત્વનું છે કે, સાધલી પ્રાથમિક શાળાને વર્ષ ૨૦૧૮-૧૯ માં જિલ્લા કક્ષાનો શાળા સ્વચ્છતા એવોર્ડ મળ્યો છે. આચાર્ય પ્રજાપતિને વર્ષ-૨૦૧૮ માં તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક અને વર્ષ-૨૦૨૩માં જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. શાળાના શિક્ષિકા હેતલ પટેલને પણ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે.પોતાના શિક્ષણ કર્મયોગ સાથે સાથે શાળાની કાયાપલટ કરનાર આ પ્રેરણાદાયી શિક્ષકને સલામ છે.
Reporter: News Plus