ચાર આરોપીઓનાં રિમાન્ડ પુરા,જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયા
પડદા પાછળનાં ખેલાડીઓને પકડવાનાં હજી બાકી...
સિટી પોલીસ માટે જમવામાં જગલો અને કૂટવામાં ભગલો જેવો ઘાટ
શ્રીજીની સવારી પર ઈંડા ફેંકનાર ચાર આરોપીઓને પોલીસ કાળા કાચવાળી એ.સી સ્વીફ્ટ કારમાં કોર્ટમાં લાવી

જુનેદ સિંધી સહિતનાં ત્રણ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં મોકલી દેવાયા, સદિકાને મેડિકલ ચેકઅપ બાદ કોર્ટમાં રજૂ કરાઈ
વડોદરા પોલીસે જમવામાં જગલો અને કૂટવામાં ભગલો..જેવો ઘાટ સર્જ્યો છે. સામાન્ય રીતે જે પોલીસ ગુનેગારો માટે કડક વલણ અપનાવતી હોય છે તે જ પોલીસ આજે શ્રીજીની સવારી પર ઈંડા ફેંકનારા આરોપીઓ માટે લાગણીભર્યું વલણ અપનાવતી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે પણ શ્રીજીની સવારી પર ઈંડા ફેંકી જાણે આરોપીઓએ મહાન કાર્ય કર્યું હોય તે રીતે સિટી પોલીસ આજે તેમને કાળા રંગની એસી કારમાં બેસાડીને કોર્ટમાં લાવી હતી. પોલીસે જુનેદ સિંધી, અનસ કુરેશી અને સમીર શેખને કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો.શ્રીજીની સવારી પર ઈંડા ફેંકીને જાણે આરોપીઓએ મહાન કામ કર્યું હોય તે રીતે સિટી પોલીસે આજે તેમની સરભરા કરી હતી. સામાન્ય રીતે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાના હોય તો પોલીસ એમને મોબાઈલ વેનમાં લઈ જતી હોય છે. જો, આરોપીઓ ઓછા હોય તો એમને પીસીઆર વાનમાં કોર્ટમાં લઈ જવાતા હોય છે. પણ આજે શ્રીજીની સવારી પર ઈંડા ફેંકનારા આરોપી જુનેદ સલીમ સિંધી, અનસ મહોંમદ ઈર્શાદ કુરેશી અને સમીર શેખ ઉર્ફે બંગાળીને કાળા કાચ વાળી એસી કારમાં કોર્ટમાં લાવી હતી. આજે રિમાન્ડ પૂરા થતા પોલીસે ત્રણેને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. કોર્ટે આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો. બીજી તરફ આરોપી જુનેદ સિંધીની માતા સદિકા સિંધીના રિમાન્ડ પૂરા થતા પોલીસ તેને મેડિકલ ચેકઅપ માટે સયાજી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં દસ આરોપીઓની ધરપકડ કરી છે. આગામી દિવસોમાં ધરપકડનો દોર આગળ વધે તેવી સંભાવના છે.

જુનેદના પિતા સલીમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો
શ્રીજીની સવારી પર ઈંડા ફેંકવાના બનાવમાં પોલીસે માફિયા ગેંગના ઈન્સ્ટાગ્રામ પેજના એડમિન જુનેદ સિંધીના પિતા સલીમ સિંધીને વોન્ટેડ જાહેર કર્યો છે. સિટી પોલીસ મથકના પીઆઈ ચૌહાણે જણાવ્યુ હતુ કે, સલીમ સિંધીએ આરોપીઓને ભાગવામાં મદદ કરી હતી. આરોપીઓની કબુલાતને આધારે પોલીસે સલીમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આરોપી સલીમ સિંધીની શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પ્રતાપ મડઘાની પોળના ગણેશજીની યાત્રા દરમિયાન થયેલી માથાકૂટમાં સલીમ સિંધીની સંડોવણી બહાર આવી હતી. જે તે સમયે પોલીસે તેની સામે ગુનો દાખલ કર્યો હતો.
આરોપીઓની સુરક્ષા માટે ખાનગી વાહનમાં કોર્ટમાં લવાયા પણ પોલીસની વાત ગળે નથી ઉતરતી
સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ આર બી ચૌહાણે કહ્યું હતું કે આરોપીઓની સુરક્ષાના પગલે આરોપીઓને ખાનગી વાહનમાં કોર્ટમાં લાવીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રકારના કોઇપણ આરોપીઓને બચાવવા માટે સ્ટ્રેટેજી રચવામાં આવતી હોય છે જેથી આરોપીઓને આજે ખાનગી વાહનમાં કોર્ટમાં રજૂ કરાયા હતા. પણ પીઆઇની આ વાત ગળે ઉતરતી નથી. ગમે તેવા માથાભારે રીઢા આરોપીઓ અને ગેંગસ્ટર હોય તેમને પણ દિલ્હી મુંબઇ કે અમદાવાદમાં કે પછી આખા દેશમાં પોલીસ સરકારી વાહનમાં બેસાડીને જ કોર્ટમાં લાવે છે કે પછી તપાસ માટે પણ પોલીસ પોતાના વાહનમાં જ લઇ જાય છે. તો આ કેસમાં કેમ આરોપીઓ ઉપર પોલીસને પ્રેમ કેમ ઉભરાયો ?
Reporter: admin







