ભરૂચ: વાલિયા તાલુકાના ડહેલી ગામના આદિવાસી સમાજના લોકો ચોમાસાની ઋતુમાં એક દુ:ખદ અને જોખમી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.
ખાસ કરીને ચોમાસાના દિવસોમાં ગામમાં કોઈ વ્યક્તિનું નિધન થાય ત્યારે અંતિમ સંસ્કાર નનામી લઈને કિમ નદીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થવા ગ્રામજનો મજબૂર બન્યા છે. આ પરિસ્થિતિ માત્ર શારીરિક જોખમથી ભરેલી જ નહીં, પરંતુ લોકોની ભાવનાઓને પણ ગંભીર રીતે ઠેસ પહોંચાડી રહી છે. કારણ કે મૃત્યુ બાદ અંતિમ યાત્રા માટે પણ આવી હાલાકી ભોગવી પડી રહી છે.ડહેલી ગામના આદિવાસી સમાજના લોકો ઘણા વર્ષોથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોના કહેવા અનુસાર ચોમાસાની ઋતુમાં કિમ નદીમાં ભારે પ્રવાહ અને ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા, નદી ઓળંગવી લગભગ અશક્ય બની જાય છે.
છતાં અંતિમ સંસ્કાર માટે આદિવાસી સ્મશાનમાં પહોંચવું જરૂરી હોવાથી ગ્રામજનો કમર કે ઘૂંટણ સુધીના ધસમસતા પાણીમાં જીવનું જોખમ લઈને નનામી સાથે નદી પાર કરે છે. ગઈકાલે સાંજે પણ આવી જ એક દુ:ખદ ઘટના સામે આવી હતી, જ્યાં ગ્રામજનો કેડ સુધીના પાણીમાંથી નનામી લઈને પસાર થતા નજરે ચડ્યા હતા.પોતાના પ્રિયજનની અંતિમ વિદાયની ઘડીઓમાં, જ્યારે પરિવાર શોકમાં ડૂબેલો હોય, ત્યારે આવા જોખમી સંજોગોમાંથી પસાર થવું એ ભાવનાત્મક રીતે અત્યંત પીડાદાયક છે. અહીંના એક વૃદ્ધ ગ્રામજને રડતા સ્વરે જણાવ્યું કે, “અમારા માટે આ દરેક વખતે એક યાતના બની જાય છે. અમે અમારા પ્રિયજનને આદરપૂર્વક અંતિમ વિદાય આપવા માંગીએ છીએ, પરંતુ નદીનો પ્રવાહ અમને મજબૂર કરે છે.”
Reporter: admin







