પહેલગામમા આતંકવાદી હુમલો થાય બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ છે. ત્યારે આ સ્થિતી વચ્ચે વડાપ્રધાનની વિરુદ્ધ વિવાદીત પોસ્ટ મૂકનાર વડોદરા જિલ્લા પંચાયતના કોંગ્રેસના પૂર્વ પ્રમુખની પાદરા પોલીસે ધરપકડ કરી હતી.

જો કે પાદરા પોલીસે ઘનશ્યામ પટેલને પોલીસ સ્ટેશનમાં વીઆઇપી ટ્રીટમેન્ટ આપી હોવાના વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતાં રાજકીય મોરચે ખળભળાટ મચી ગયો હતો.. વડોદરા જિલ્લા પંચાયતના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલે AIનો ઉપયોગ કરી વડાપ્રધાન વિરુદ્ધ વિવાદીત પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી હતી. આ બાબત પાદરા પોલીસના ધ્યાનમાં આવતા તેઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પાદરા પોલીસે કોંગ્રેસ અગ્રણી અને વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલની ધરપકડ કરતાં વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસમાં ચકચાર મચી ગઇ હતી.

મળેલી માહિતી પ્રમાણે, કોંગ્રેસ અગ્રણી ઘનશ્યામ પટેલે AIથી વડાપ્રધાનની ઇમેજ તૈયાર કરી હતી અને પોસ્ટ સાથે લખ્યું કે, આને દેશમાં સાચા અર્થમાં પ્રજા જોવા માગે છે. આ પોસ્ટે સોશિયલ મીડિયામાં ખળભળાટ મચાવી મૂક્યો હતો. દરમિયાન આ પોસ્ટ બાબતે પાદરા પોલીસે ઘનશ્યામ પટેલ સામે ફરિયાદ દાખલ કરી ધરપકડ કરી છે. જો કે પોલીસ સ્ટેશનમાં તો પાદરા પોલીસે ઘનશ્યામ પટેલ સામે આરોપી તરીકેનું વર્તન પણ કર્યું ન હતું અને બિન્ધાસ્ત તેમને ખુરશી ટેબલ પર બેસાડીને તેમની સરભરા કરાતી હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. પોલીસનું બેવડુ ધોરણ જણાઇ આવ્યું છે. જિલ્લા પોલીસ વડાએ આ મામલે તપાસ કરાવવી જરુરી છે. જો કોઇ સામાન્ય વ્યક્તિ આરોપી હોત તો શું પાદરા પોલીસ આ રીતે તેને વીઆઇપી ટ્રીટમેન્ટ આપત ખરી તેવો સવાલ લોકો પુછી રહ્યા છે.

Reporter: admin







