અધિકારીઓની મીલીભગતથી કોન્ટ્રાક્ટર કરોડપતિ બને તે માટેનો પ્રયાસ.

શહેરના કારેલીબાગ ભુતડીઝાંપા થી આર્યકન્યા સુધીનો રસ્તો માત્ર એક અઠવાડિયા પહેલા કાર્પેટ, એ.સી. લેયર કરી પૂરો કર્યો હતો પણ આજે પાણી પુરવઠા વિભાગે આ રસ્તો જે.સી.બી. થી ખોદી નાખ્યો હતો અને પ્રજાના લાખો રુપિયાનો વેડફાટ થઇ ગયો હતો. વડોદરા કોર્પોરેશન ના રોડ પ્રોજેક્ટ સાથે પાણી પુરવઠા, ડ્રેનેજ વિગેરે વિભાગના સંકલન ને અભાવે જાણે નવો ખરીદેલું ખમીસ હવે થીંગડા વાળું પહેરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આના માટે જવાબદાર કોણ ? અને બેજવાબદાર સામે શિક્ષાત્મક પગલાં શું ? તેવો પ્રશ્ન વિશ્વામિત્રી બચાવો સમિતીના શૈલેશ અમિને કર્યો છે.
જો આ રસ્તા પર પાણી પુરવઠા વિભાગનું કામ કરવાનું બાકી હતું તો પછી રસ્તો કેમ બનાવી દેવાયો તે મોટો પ્રશ્ન છે. અને એટલે જ શંકા જાય છે કે કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવાના ઇરાદાથી ભ્રષ્ટ અધિકારીઓએ આ કારસો રચ્યો છે. આવું તો શહેરના ઘણા વિસ્તારોમાં બનતું આવ્યું છે કે નવો રસ્તો બનાવ્યો હોય તેના અઠવાડીયામાં કોઇ બીજો વિભાગ આવીને ખોદકામ શરુ કરી દે છે. દેખીતી રીતે આ કોન્ટ્રાક્ટર કરોડપતિ બને તે માટેનો પ્રયાસ છે.
Reporter: admin