લોકસભા ચૂંટણી 7મી મે ના રોજ યોજાવાની છે ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આકરી ગરમી પડવાની છે.
હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે 4 જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે. જેમાં ભાવનગર, પોરબંદર, કચ્છ અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે. તો વધતા જતા તાપમાનના પારાને જોતા હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 5મી તારીખથી 8મી તારીખ સુધી યલો એલર્ટ જાહેર કર્યું છે. આજથી 5 દિવસ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજવાળુ વાતાવરણ રહેવાની પણ શક્યતા છે. આજના દિવસે પણ લોકોએ ઉનાળાના આકરા તાપનો અહેસાસ થશે.
રાજ્યના તાપમાનની વાત કરવામાં આવે તો, ડીસા 37.3 ડિગ્રી, ગાંધીનગર 37.8 ડિગ્રી, વડોદરા 39 ડિગ્રી,વલસાડ 36.8 ડિગ્રી, દમણ 34.2 ડિગ્રી, ભુજ 39.3 ડિગ્રી, નલિયા 34.5 ડિગ્રી, કંડલા એરપોર્ટ 39.2 ડિગ્રી, દ્વારકા 32.4 ડિગ્રી, ઓખા 35.3 ડિગ્રી, પોરબંદર 36.8 ડિગ્રી, વેરાવળ 32.8 ડિગ્રી, દીવ 38 ડિગ્રી, મહુવા 39.4 ડિગ્રી અને કેશોદમાં 39.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમરેલી, આણંદ, બોટાદ, છોટાઉદેપુર, ખેડા, મહીસાગર, પંચમહાલ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. વડોદરા, તાપી, નર્મદા, ભરુચ સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમદાવાદ, અરવલ્લી, ભાવનગર, ડાંગ, ગાંધીનગર, જુનાગઢ, નવસારી, સાબરકાંઠા, સુરત સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.
આઈએમડીના અનુસાર, મે મહિનામાં રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મરાઠવાડા, તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં અંદાજે 10 દિવસ એવા હશે, જેમાં અતિથી ભારે હીટવેવની અસર વર્તાશે.
Reporter: News Plus