વલસાડના કલેક્ટર આયુષ ઓકને 2000 કરોડની જમીન કોભાંડ મામલે સુરત કલેક્ટરની ફરજ દરમિયાન જમીનમાં કરેલા ગોટાળા બદલ રાજ્ય સરકારે સસ્પેન્ડ કર્યા છે.
લાંબા સમયથી ચાલી રહેલી તપાસના અંતે કલેક્ટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરતા સન્નાટો વ્યાપી ગયો છે. ડુમસ વિસ્તારની 2.17 લાખ ચોરસ મીટર જમીન ગણતીયાનું નામ દાખલ કરાવીને બે હજાર કરોડ રૂપિયાનો ખેલ પાડી દેવાનો આક્ષેપ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી દ્વારા કરવામાં આવ્યો છે.
પોતાના અંગત બિલ્ડરને લાભ કરાવવા માટે રાજકીય દબાણ હેઠળ જમીન ગણોતિયાનું નામ દાખલ કરાવી દીધું હતું.
આ મામલે કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, જે જમીનમાં વર્ષોથી ગણોતિયા ન હતા તે જમીનમાં એકાએક આ ગણોતિયા ઉભા કરવામાં આવ્યા છે. એથી પણ વધુ ગંભીર બાબત એ છે કે, સુરતના પૂર્વ કલેકટર રાજેન્દ્રકુમાર દ્વારા આ જમીન સરકારી હોવાનું સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે.
તો આ સરકારી જમીન બદલી થવાના એક દિવસ પહેલા જ તે સમયે સુરતના કલેક્ટર રહેલા આયુષ ઓક દ્વારા ગણોતિયાનું નામ દાખલ કરવા માટેનો આદેશ કેવી રીતે અપાયો છે. અંદાજે 2.17 લાખ ચોરસ મીટર જમીન ખાનગી વ્યક્તિના નામ પર ચડાવી દઈને 2000 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે SITની રચના થવી જોઈએ. સરકારને જે કોઈ હજારો કરોડનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, તેની પણ તપાસ કરવામાં આવે.
Reporter: News Plus