વડોદરાના માંજલપુર વિસ્તારના વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયના સાનિધ્યમાં ચાલી રહેલા શ્રાવણી સત્સંગમાં યમુનાષ્ટકના આઠ અષ્ટકના શ્લોક પર વૈષ્ણવજનોને ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી રહી છે.
માંજલપુરના વ્રજધામ સંકુલમાં સત્સંગમાં વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયે ષોડષ ગ્રંથ વલ્લભ ગીતાના પ્રથમ ગ્રંથ યમુનાષ્ટકના દ્વિતીય શ્લોકની સમજ આપ્યા બાદ કહ્યું હતું કે કરોડો માઇલ દૂર સૂર્યનારાયણદેવમાંથી પ્રગટ થયેલા યમુના મહારાણી કલિંદ પર્વત પર પધાર્યા. ત્યારે કષ્ટ થયું જ હોય. એમ કહી પૂજ્યએ સમજાવ્યું હતું કે દરેકના જીવનમાં પડવાનું આવતું જ હોય છે. પણ પડ્યા પછી તે જ જગ્યાએ પડી રહેવું તે પતનનું કારણ બને છે. તેને બદલે પડ્યા પછી ઉભા થઈને દોડે તેનો હાથ પ્રભુ હંમેશા પકડે છે. તેને ફરી પડવા દેતો નથી.કલિન્દકી પુત્રી કાલિન્દી પાસેથી જીવન જીવવાની કળા શીખવાની છે. પડવાના ઘણા પ્રકાર છે. કોઈ ઈર્ષા ભાવથી આપણને પાડવાની કોશિશ કરતું હોય છે, ક્યારેક આપણે કશુંક શીખવા માટે પડતા હોઈએ છીએ જેમ કે સ્વિમિંગ, ક્યારેક પેરાશૂટ માંથી કૂદવાના સાહસના ભાગરૂપે પડવાનું જીવ પસંદ કરતો હોય છે. પરંતુ પડ્યા પછી પણ તેમાં હકારાત્મકતા શોધે તે જીવ પરમાત્માની સમીપ પહોંચે છે. એમ કહી પૂજ્યશ્રીએ શેર બજારમાં કડાકો થાય ત્યારે સાચો વેપારી ઓછા ભાવે શેર ખરીદી અને હકારાત્મકતા શોધીને સફળતા મેળવે છે. આમ પડ્યા પછી ચિંતા નહીં ચિંતન કરવું જરૂરી બને છે. ઉત્તમ દ્રષ્ટાંત આપતા પૂજ્યએ કહ્યું હતું કે પગ ઊંચા કરી જિરાફ તેના બાળકને જન્મ આપે છે.
એટલે જન્મતા વેંત જ બાળક જમીન પર પટકાય છે તે બાદ તરત જ જિરાફ માતા બાળકને જોરથી લાત મારે છે. કારણ જો સિંહ આવે ત્યારે પડી નહીં રહેવાનું, પરંતુ લાત મારી તેને દૂર ભગાડવાનો પ્રયાસ કઈ રીતે કરવો, તે મહત્વનો પાઠ મમતાની યુનિવર્સિટી ગણાતી માતા પોતાના નવજાત શિશુને લાત મારી જન્મતાની સાથે જ શીખવાડે છે.ભગવાનના રસમય શ્રમબિંદુ યમુનાજીમાં બિરાજમાન છે. એ જ યમુના મહારાણી પડ્યા પછી પણ પ્રભુના દર્શન માટે અને ભક્તોને પ્રભુ સમિપે લઈ જવા માટે આનંદથી વહેતી જાય છે. યમુનાજીની પાસે પ્રભુ સુધી પહોંચવાનું ઉત્તમ લક્ષ્ય છે. અર્થાત લક્ષ્ય વિના દોડવું નકામું છે.આજે માનવી તનાવગ્રસ્ત બન્યો છે. તેનું કારણ તે પડ્યા પછી ફરી દોડવા માટે મનથી તૈયાર નથી હોતો તે છે. કારણ ખાલી દિમાગ એ શેતાનનું ઘર બને છે. માટે ટાઈમને વેસ્ટ કરવાના બદલે ઇન્વેસ્ટ કરવો જરૂરી છે. બીજા શબ્દોમાં કહીએ તો એનર્જીનો લોસ કર્યા વગર તેનો સકારાત્મક ઉપયોગ કરવો જરૂરી છે. કારણ પ્રભુએ આપણું નિર્માણ કોઈ ચોક્કસ લક્ષ્ય પાર પાડવા માટે જ કર્યું છે. ત્યારે ચિંતા છોડી પ્રસન્ન ચિત્તે પ્રભુમય બનવું એ આપણું લક્ષ્ય હોવું જોઈએ.સૂર્ય પ્રકાશથી જે રીતે કમળ ખીલે છે, એ જ રીતે આપણા મુરઝાઇ ગયેલા હૈયારૂપી કમળ પર પણ સૂર્યનો પ્રકાશ પડે તો તે પણ ખીલી ઊઠે છે અને કમળ ખીલે એટલે ભમરારૂપે ભગવાન કૃષ્ણ આપણી આસપાસ રહેતા હોય છે. માટે સદા પ્રસન્ન રહેવું એવા આશીર્વાદ વૈષ્ણવજનોને આપ્યા હતા.
Reporter: admin