પૂરના પાણી ઓસર્યાના ત્રણ દિવસમાં ૨૮ જેસીબી, ૨૯ ડમ્પર, ૧૯ નાના ડમ્પર, ૪૬ જેટલા ટ્રેક્ટરો અને ૮ હજાર માનવ કલાકોની મહેનતથી વડોદરા શહેરના રસ્તાઓનું મરામત કામ કરવામાં આવ્યું છે.
ખુબજ ટૂંકા સમય ગાળામાં અથાગ પ્રયત્ન કરીને કોર્પોરેશન હદના પ્રભાવિત વિસ્તારોમાં રોડ- રસ્તાઓનું સમારકામ લગભગ ૭૦ ટકા સુધી પૂર્ણ થયું છે. દિવસે અને રાત્રે અલગ અલગ ટીમો બનાવીને પાલિકાના અધિકારીઓ, કમર્ચારીઓ તેમજ સુરત અને અમદાવાદ કોર્પોરેશનના મેનપાવર સહીત કામગીરીના સંકલનમાં રહીને ખાડાઓ પુરવાનું કામ અવિરત ચાલી રહ્યું છે. વડોદરાના પૂર્વ વિસ્તાર આજવા રોડ, બાપોદ, સ્વાદ ક્વાર્ટર, વારસિયા રીંગ રોડ, ફતેપુરા, હરણી જેવા વિસ્તારો, પશ્ચિમમાં ભાયલી, ગોરવા, ગોત્રી, વાસણા, તાંદલજા, બીલ, સેવાસી, ઊંડેરા જેવા વિસ્તારો, દક્ષિણમાં દેણા, સમા, વેમલી, નિઝામપુરા, પ્રતાપગંજ, છાણી તેમજ દક્ષીણમાં માંજલપુર, મકરપુરા, તરસાલી, ધનયાવી, વડદલા અને વડસર જેવા પ્રભાવિત વિસ્તારોમાં પેવરબ્લોક, વેટમિક્ષ મટીરીયલ પાથરવાની કામગીરી કરવામાં આવી છે.
વડોદરા શહેરમાં આવી પડેલી આફતના સમયમાં સામાન્ય જનતાને અગવડતા ન પડે તે રીતે રસ્તાઓને મોટરેબલ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. વીએમસીના રસ્તા વિભાગના એક્ઝીક્યુટીવ એન્જીનીયર હેતલ રૂપાપરા જણાવે છે કે રસ્તાઓ મોટરેબલ કરવા તે પૂર પછીની મુખ્ય કામગીરી છે. રસ્તાઓ ક્લીયર થાય ત્યાર બાદ વાહન વ્યવહાર રેગ્યુલર થાય પછી જ બીજી બધી પ્રભાવિત સેવાઓને પૂર્વવત થઈ શકે છે એટલે આ કામગીરી સૌથી પહેલા શરુ કરી દેવામાં આવી હતી. મહાનગરપાલિકાના રસ્તા અને રોડ વિભાગ દ્વારા પૂરના પાણી ઉતર્યા પછી ૨ હજાર મેટ્રિક ટન જેટલો હોટ મિક્ષ અને વેટમિક્ષ મટીરીયલનો વપરાશ કરવામાં આવ્યો છે. જે રસ્તાઓ પર ખુબ મોટા ખાડાઓ પડેલા ત્યાં પેવર બ્લોક નાખી ઇન્ટરલોક કરીને પ્લાસ્ટરીંગ કરવામાં આવ્યું છે.
Reporter: admin