વડોદરા શહેરમાં આવેલી આપદામાં નાગરિકોને સતત મદદરૂપ બની રહેલા પ્રભારી મંત્રી હર્ષ સંઘવી આજે પુનઃ વડોદરા આવ્યા હતા.

અહીં તેમણે વિવિધ વેપારી મંડળો, ઔદ્યોગિક એકમોના સંગઠનો સાથે બેઠક યોજી નુકસાનીનો તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. આ સાથે તેમણે સરકારી વીમા કંપનીના અધિકારીઓ સાથે પણ બેઠક યોજીને ક્લેઇમ સેટલમેન્ટની કાર્યવાહી ત્વરિત કરવા માટે જણાવ્યું હતું. તેમણે વીમા કંપનીઓને સર્વેની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરાવવા માટે અનુરોધ કર્યો હતો. આ બાબતે રાજ્ય કક્ષાના અધિકારીઓ સાથે પણ બેઠક કરવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું. અત્યાર સુધીમાં સરકારી વીમા કંપનીમાં ૮૫૦ અને ખાનગી કંપનીમાં ૬૦૦ જેટલા ક્લેઇમ આવ્યા હોવાની વિગતો આપવામાં આવી હતી. વેપારી મંડળોની લાગણીને ધ્યાને રાખીને પ્રભારી મંત્રીએ ઘટતા દસ્તાવેજોની પૂર્તતા કરાવવા માટે મદદ કરવા મહાપાલિકાને સૂચના આપી હતી.

તેમણે કહ્યું કે, ગુમાસ્તા ધારા ઉપરાંત વેસ્ટ કલેક્શન માટેના પ્રમાણ પત્રો આપવા માટે ખાસ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવશે. આ બેઠકમાં ઔદ્યોગિક વિસ્તારોમાં વીજળી, સફાઇ, માર્ગોના રિપેરિંગ અને જીએસટી બાબતે વેપારી મંડળો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. જેનો ઉકેલ લાવવા માટે રાજ્ય મંત્રીએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પદાધિકારીઓ સાથે પણ તેમણે ચર્ચા કરી હતી અને આરોગ્ય સેવામાં તબીબીની મદદ મળશે, એવી ખાતરી મેળવી હતી. આ બેઠકમાં મેયર પિંકીબેન સોની, સાંસદ ડો. હેમાંગ જોશી, ધારાસભ્ય સર્વ યોગેશભાઇ પટેલ, મનિષાબેન વકીલ, કેયુરભાઇ રોકડિયા, કેતનભાઇ ઇનામદાર, અક્ષયભાઇ પટેલ, ચૈતન્યભાઇ દેસાઇ, ચૈતન્યસિંહ ઝાલા, સ્થાયી ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી, અગ્રણી ડો. વિજય શાહ અને સતિષભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, કલેક્ટર બિજલ શાહ, એમજીવીસીએલના એમડી તેજસ પરમાર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Reporter: admin