વડોદરાના માંજલપુર વિસ્તારના વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયના સાનિધ્યમાં શ્રાવણી સત્સંગ ચાલી રહ્યો છે. જેમાં યમુનાષ્ટકના આઠ અષ્ટક વિશે સત્સંગીઓને ભાવવાહી રીતે સમજ આપવામાં આવી રહી છે.
માંજલપુરના વ્રજધામ સંકુલમાં સત્સંગમાં વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયે ષોડષ ગ્રંથ વલ્લભ ગીતાના પ્રથમ ગ્રંથ યમુનાષ્ટકની ટીકાઓ ટાંકીને સત્વ, રજસ અને તમસએ ત્રણ ગુણ વિશે સમજ આપતા કહ્યું હતું કે પ્રભુએ જીવમાં સત્વ, રજસ અને તમસ એમ ત્રણ પ્રકૃતિ મૂકી છે. ક્યારેક બે પ્રકૃતિ પણ ઓછા વત્તા પ્રમાણમાં એક જ જીવમાં જોવા મળતી હોય છે.જે પ્રમાણેનું કામ કરાવવા ઈચ્છતા હોય તે મુજબની પ્રકૃતિ માનવમાં પ્રભુ મુકતા હોય છે. પોપટ જય કૃષ્ણ બોલી શકશે પરંતુ પોપટની પ્રકૃતિ બદલી શકાતી નથી.નદી મલિન હોય કે પવિત્ર એનાથી વધુ ફર્ક નથી પડતો પરંતુ નદી સાગર તરફ વહેતી હોવી જોઈએ. કારણ સાગર એટલે પરમાત્મા કૃષ્ણ. આપણામાં રહેલા રજસ, તમસ અને સત્વ ગુણોરૂપી નદી હોય પરંતુ તે કૃષ્ણરૂપી સાગરમાં એકાકાર થતા નિર્વિકાર બને છે.
માનવી કયા ગુણ પ્રાધાન્યનો છે ? તે પણ સરળતાથી જાણી શકાય છે.
સત્વગુણી વ્યક્તિ પ્રભાવશાળી, ગુણવાન સાત્વિક અને વારંવાર મળવા જેવો હશે.રજોગુણી વ્યક્તિ માનવીના ગુણ નહીં પરંતુ રૂપને જોશે.એટલે જ શ્યામ સુંદર રૂપે પ્રભુ આવા ભક્તોને મળ્યા છે. તામસ ગુણીની ઓળખ આપતા પૂજ્યએ કહ્યું હતું કે વ્રજભૂમિ તામસ છે. તમસ એટલે અંધકાર, અજ્ઞાનતા, ભોળપણ, આવા ગુણ વ્રજભૂમિમાં વસનારાઓમાં જોવા મળશે. તેઓને રૂપની સાથે અનોખી અદા વધુ પસંદ હોય છે. આવા જ અંધકારમાં મહારાસ રચીને પ્રભુ તારણહારા બન્યા હતા. કારણ આકર્ષતિ ઇતિ કૃષ્ણ.મહાપ્રભુજીની કૃપાથી જ આવા ત્રણેય ગુણો ધરાવનાર આખરે પ્રભુમય બની જતા હોય છે. એમ સમજાવી ભાવિકજનોને આશીર્વાદ આપ્યા હતા.અમૃત વાક્યો પ્રકૃતિને પ્રભુ તરફ વાળી દેવાથી માનવીનો ઉદ્ધાર થઈ જાય છે
Reporter: admin